સુરત: હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોને આશા હતી કે દિવાળી વેકેશન પછી તેજીનો સમય આવશે પરંતુ સુરતનાં હીરાઉદ્યોગમાં હાલ ગણતરીનાં 20થી 25 ટકા જેટલા જ કારખાના ફરી શરૂ થયા છે અને મોટાભાગનાં કારખાનાઓ ખુલ્યા નથી. વેકેશન પણ લંબાયુ હોવાથી રત્નકલાકારો મોટી આર્થિક મુસીબતમાં ફસાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે.
30 જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી: આ અંગે સુરત ડાયમંડ વર્કર યુનિયનનાં આગેવાનોએ જણાવ્યું હતું કે હીરાઉદ્યોગની કારમી મંદી વચ્ચે મુજબ જી-7 દેશોએ રશિયન ડાયમંડ ઉપર પ્રતિબંધ મક્યા હોવાની વિગતો જાહેર થતાં રત્નકલાકારો ભાંગી પડ્યા છે. સુરતનાં હીરા ઉદ્યોગમાં તેની વિપરીત અસર જોવા મળશે, એક તો ખૂબ જ ટુંકા સમયમાં 30 જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે, જે હીરાઉદ્યોગની મંદી તરફ ઇશારો કરે છે.
![હીરાઉદ્યોગની મંદી યથાવત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-12-2023/gj-sur-daimond-demand-7200931_11122023173406_1112f_1702296246_593.jpg)
આર્થિક પેકેજ જાહેર કરવું જરૂરી: ડાયમંડ વર્કર યુનિયનનાં આગેવાનોએ વધુમાં એવો પણ દાવો કર્યો હતો કે કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા આરટીઆઇમાં જાહેર કરેલી વિગતો મુજબ આયાત અને નિકાસનાં આંકડા સતત ઘટ્યા હોવાનું નોંધવામાં આવ્યું છે. જેથી સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જરૂરી છે અને રત્નદીપ યોજના જાહેર કરવાની માંગણી સાથે ઉગ્ર આંદોલનની રણનીતિ પણ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તૈયાર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ. જેમાં આગામી દિવસોમાં કલેકટર, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી આર્થિક પેકેજની માંગણી કરાશે.
તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, દિવાળી વેકેશન બાદ અડધા હીરાના યુનિટ શરૂ થયા હતા. રાજ્યમાં 25 લાખ રત્નકલાકારો છે. જે પૈકી સાડા સાત લાખ જેટલા રત્નકલાકાર સુરતના છે. જયારે યુનિયનમાં 30 હજાર રત્નકલાકાર સભ્ય છે જેથી યુનિયન દ્વારા એડીચોટીનું જોર લગાવાયું છે.