સુરત: અખિલ ભારતીય હિંદુ મહાસભા ગુજરાત પ્રદેશ દ્વારા પત્રકાર પરિષદ યોજી દારૂબંધીના કાયદા સામે સવાલ ઉભા કરવામાં આવ્યા છે. આ અંગે અખિલ ભારતીય હિંદુ મહાસભાના ગુજરાત પ્રદેશ સચિવ જયેશ પંચાલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દારૂબંધીનો કાયદો ઇ.સ.1960 માં અમલી બન્યો હતો. પરંતુ હમણાં સુધીની સરકાર દારૂબંધીના આ કાયદાનું અમલીકરણ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થાય છે. સામાન્ય નાગરિક દારૂના નશામાં પકડાઈ છે તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે છે. ગુજરાત બહાર અન્ય રાજ્યમાં છૂટ છે. દારૂબંધી હટાવવામાં આવે તો સરકારને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે.
જેથી ગુજરાતમાં ધારાધોરણો પ્રમાણે દારૂની છૂટછાટ આપવામાં આવવી જોઈએ. આ અંગે સુરત સહિત તમામ જિલ્લાના કલેકટરોને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. સરકાર આ મામલે ખૂબ જ વિચારવિમર્શ કરી નિર્ણય કરે તેવી અખિલ ભારતીય હિંદુ મહાસભાએ માગ કરી છે.