સુરત: શહેરના જાણીતા બિલ્ડર ગ્રૂપદ્વારા ડૉકટરો માટે એક ખાસ ઓફર મુકી છે. કોરોનાની મહામારીમાં દરિયાદિલીની પ્રશંસા થઈ રહી છે. બિલ્ડર ગ્રૂપ દ્વારા સુરતના નવા ડિંડોલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર આર્કેટને છ મહિના સુધી નિઃશુલ્ક તમામ સુવિધાઓ સાથે ડૉક્ટરોને આપવાનો નિર્ણય લીધો છે.
હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારી અને સુરતના ડિંડોલી વિસ્તારમાં 6 કિલોમીટર સુધી કોઈ હોસ્પિટલ ન હોવાના કારણે સુરતના બિલ્ડર ગ્રૃપ આ વિસ્તારમાં રહેતા સાત લાખ લોકો માટે આ નિર્ણય લીધો છે. તેમને પોતાના દ્વારા નવનિર્મિત આ આર્કેટને આખે આખું કોમ્પ્લેક્સ તબીબો, મેડિકલ સ્ટોર, ફિઝિશિયનને છ મહિનાના મફત ભાડા સાથે આપવાનો નિર્ણય કર્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિની સાથે આસપાસના લોકોને વહેલામાં વહેલી તકે તબીબી સારવાર પણ અહીંથી જ મળી રહેશે. તેમજ સારવાર પણ ઓછી કિંમતે મળી શકશે. જ્યારે સ્થાનિક લોકોને સારવાર માટે અન્ય વિસ્તારોમાં જવાની જરૂર પડશે નહીં.
સુરતના નવા ડિંડોલી વિસ્તારમાં મોટા ભાગે પરપ્રાંતિય લોકો રહે છે. આ વિસ્તારમાં હાલ હોસ્પિટલ નથી, ત્યારે વિઘ્નેશ્વર બિલ્ડર ગ્રુપ દ્વારા આ મહામારી વચ્ચે દરિયાદિલ ભર્યું પગલું લેવામાં આવ્યું છે. આ બિલ્ડર ગ્રુપનું ડિંડોલી વિસ્તારમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં કોમ્પ્લેક્સ આવ્યું છે. આ કોમ્પલેક્સમાં 200 થી વધુ દુકાનો તેમજ મોટા હોલ આવ્યા છે. તેમને આ આખે આખું કોમ્પ્લેક્સ છ મહિના માટે ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે બિલ્ડર ગ્રુપના મેનેજર જેઠાનન્દ આહુજાએ જણાવ્યું હતું કે, તબીબો, નર્સ, ફિઝીયોથેરાપી, મેડિકલ સ્ટોર તથા સંસ્થાઓ માટે આ તમામ ઓફિસોને છ મહિના માટે ફ્રી ભાડા સાથે આપવાનો નિર્ણય કર્યો છે. બિલ્ડર દ્વારા એક પણ રૂપિયો આ લોકો પાસેથી લેવામાં આવશે નહીં. આ સાથોસાથ જો જરૂર જણાશે તો તમામ લોકોને ટેબલ, ખુરશી સહિતની જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવશે. બિલ્ડર દ્વારા આ તબીબોની જાહેરાત વધુમાં વધુ થાય તે માટે ટીવી, પ્રિન્ટ તેમજ અન્ય માધ્યમથી જાહેરાત કરી તેમનો પ્રચાર પણ કરવામાં આવશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સેવાકીય પ્રવૃત્તિની સાથે આસપાસના તમામ લોકોને વહેલામાં વહેલી તકે તબીબી સારવાર પણ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, જો આ આખી મિલકત બિલ્ડર ભાડા પર આપી દે તો મહિને રૂપિયા 20 લાખની કમાણી થશે. પરંતુ હાલ વિસ્તારના લોકોને મેડિકલ સેવા મળી રહે તે પ્રાથમિકતા છે.