સુરતમાંઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ગેરકાયદેસર ઝીંગા તળાવ અને ડ્રેનેજ વ્યવસ્થા સારી ન હોવાના કારણે વરસાદ થઈ જવા છતાં વરસાદી પાણી હાલ પણ ખેતરમાં જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે જણાવ્યા અનુસાર 10 કરોડની શાકભાજીઓ અને 100 કરોડના ડાંગરના પાકનું નુકસાન ખેડૂતોને થયું છે.
આ વર્ષે ભારે વરસાદના કારણે જગતના તાતને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતો વરસાદી પાણીના કારણે તેના પાકને થયેલા નુકસાનથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કરોડોના નુકસાનના કારણે ખેડૂતો દયનીય સ્થિતિમાં આવી ગયા છે.
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં શેરડી, શાકભાજી અને ડાંગરનો પાક થતો હોય છે, પરંતુ આ વર્ષે ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. ભીંડા અને પરવળ જેવી શાકભાજી થઇ નથી. જેના પગલે શાકભાજીને 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીજી બાજુ ડાંગરના પાકને પણ 100 કરોડનું નુકસાન થતા ખેડૂતો ચિંતામાં છે.
રમેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદના પાણી ગેરકાયદેસર ઝીંગા તળાવ અને ડ્રેનેજ સિસ્ટમની સફાઈ ન કરવાના કારણે ખેતરમાં રહી ગયું છે. વરસાદ થંભી જતાં પણ આ પાણીનો નિકાલ ખેતરમાંથી થયો નથી. જેથી કરોડો રૂપિયાનું નુકસાન પાકને થયું છે.
ઉલ્લેખનીય છે કે 48 કલાકથી વધુ સમય થયો હોવા છતાં અત્યાર સુધી સરકાર તરફથી ખેડૂતોના થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવ્યો નથી. જેના પગલે ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે.