સુરત : સુરતના બંને દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવા સાથે કરંટ જોવા મળી રહ્યો છે. તે સાથે સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. તો બીજી બાજુ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પડ્યું છે કે સુવાલી અને ડુમસ બીચ વિસ્તારમાં લોકોની અવરજવર તથા માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
હોર્ડિંગ્સ વગેરે ઉતારવાની કામગીરી : આજે સવારથી જ સુરતના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવા સાથે કરંટ જોવા મળ્યો છે. તો બીજી તરફ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના ત્રણ તાલુકાના 42 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત તંત્ર દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ પણ શરુ કરી દેવામાં આવ્યો છે. એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આગમચેતીના ભાગરૂપે હાઈરાઈઝ બિલ્ડીંગ પરથી બેનર્સ અને હોર્ડિંગ્સ વગેરે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત વાવાઝોડા બિપરજોય ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેની સાથે અમે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે. તો સુરત પોલીસે પણ જાહેરનામું બહાર પાડીને સુવાલી અને ડુમસ બીચ વિસ્તારમાં લોકોની અવરજવર માટે પ્રતિબંધ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે...બી.કે.વસાવા(ઈન્ચાર્જ કલેકટર)
પ્રધાન અને ધારાસભ્ય સક્રિય : ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સંભવિત વાવાઝોડા બિપરજોય ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે પ્રધાન મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ સુવાલી ગામમાં આવી પહોંચ્યાં છે. તેઓ હળપતિવાસના લોકોની મુલાકાત લઈને લોકોના ઘરોમાં જઈ સમજાવી રહ્યા છે કે તંત્ર તમારી સાથે છે. સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી રહી છે. તેઓ માટે પ્રાથમિક સ્કૂલ, શેલ્ટર હોમમાં રહેવાની જમવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. તંત્ર તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે.