સુરત/ડભારીઃ સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે,સુરત જિલ્લાના દરિયા કિનારા તરફ જતા રસ્તા પર બેરીગેટ મૂકી દેવાયા છે અને કાંટાની વાડ કરી સ્થાનિક પોલીસ અને સાગર સુરક્ષા દળના જવાનોને તૈનાત કરાયા છે. જિલ્લામાં પવનની ગતિમાં વધારો થયો છે. સુરત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે.
રસ્તા બંધઃ હાલ ઓલપાડ તાલુકાના ડભારી દરિયા કિનારા તરફ જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ અને સાગર સુરક્ષા દળના જવાનોએ બેરિગેટ મૂકી કાંટાવાડ બનાવી દેવામાં આવી છે. હાલ દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિમાં વધારો થયો છે. 30થી 35 કિમી ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિમાં હજુ વધારો થવાની શક્યતાઓ છે. તંત્ર સતત વાવાઝોડા ની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે.
એલર્ટ અપાયુંઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકો યોજી રહ્યા છે. દરિયા કિનારાના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરએ ઓલપાડ તાલુકાના ડભારી દરિયા કાંઠાની મુલાકાત કરી હતી. જણાવ્યું હતું કે, લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. લોકો દરિયાકાંઠા વિસ્તારમાં કોઈપણ પ્રકારનો જોખમ ન લે. જેટલા સાવચેત રહેશો એટલા સલામત રહેશું.
ક્લેક્ટરે કરી અપીલઃ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટકવાની ભીતિને પગલે સુરત જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયુ છે. ઈ.જિલ્લા કલેક્ટર બી.કે.વસાવાએ સંભવિત વાવાઝોડાના કારણે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ અંગે બેઠક યોજી હતી. સંભવિત વાવાઝોડાના કારણે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા 'ઝીરો કેઝ્યુલ્ટી'ના લક્ષ્ય સાથે તંત્ર સાબદું હોવાનું કલેક્ટરએ જણાવ્યું હતું.