સુરત: શહેરના 1153 અને જિલ્લાના 86 મળીને કુલ 1239 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. કોરોના વાઇરસને કાબુમાં લેવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક ઝોનમાં અસરકારક અને ઘનિષ્ઠ સર્વેની કામગીરી, વધુમાં વધુ સેમ્પલ લેવા અને સ્ક્રિનીંગની કામગીરી જેવા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોના સ્વસ્થ થઇ રહેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. કુલ 776 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. દર્દીઓનો રિકવરી રેટ 67.3 ટકા થયો છે. કુલ 54 દર્દીના મૃત્યુ નોંધાયા છે. 4.7 ટકા રેટ મૃત્યુ દર છે. પોઝિટિવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી કુલ ૪૩૭ કેસો થયા છે.
સુરતમાં હોમગાર્ડ જવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ફફટાડ મચી જવા પામ્યો છે. મહેન્દ્ર યાદવ નામના હોમગાર્ડ જવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉધના પોલીસ મથકમાં પીસીઆર વાન પર ફરજ બજાવે છે. બુધવારે ઉધના પોલીસના જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોમ ગાર્ડ જવાન પોલીસ જવાનના સંપર્કમાં હતો. હોમ ગાર્ડ જવાન પાંડેસરાના શ્રી રામ નગરનો રહેવાસી છે. પાંડેસરા વિસ્તારમાંથી હોમ ગાર્ડનો જવાન સંક્રમિત થયો હોવાનું અનુમાન છે. હોમ ગાર્ડ જવાનના સંપર્કમાં આવ્યા બાદ પોલીસ જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોમ ગાર્ડ જવાનના પરિવારના સભ્યોને કરાયા ક્વોરન્ટાઇન જવાનને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો છે.
વધુમાં મ્યુ. કમિશ્નર બંછા નિધી પાણીએ જણાવ્યું હતું કે, હાલ 5206 લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 568 લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં 53 લોકો છે. 1775 જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. અત્યાર સુધી 14 લાખ 83 હજાર કરતા વધુ લોકોનુ સર્વેલન્સ કરવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારોમાં કુલ 39 ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. 75 જેટલા રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રિમોનસુનની કામગીરી ખુબ જ ઝડપથી કરવામાં આવી રહી છે. ડ્રેનેજની 60 ટકા જેટલી કામગીરી અને બાગબગીચાની 80 ટકા કામગીરી કરવામાં આવી રહી છે. લોકડાઉનમાં રાહત આપતાં ખોલવામાં આવેલી તમામ દુકાનો અને ઉદ્યોગોના કામદારોને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત છે. લોકડાઉન 4.0 માં વડીલો સુધી સંક્રમણ ન ફેલાય તેનું ખુબ જ ધ્યાન રાખવાનું છે, આ માટે પાલિકાએ વડીલોને વંદન નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે. અત્યાર સુધી 237 ટ્રેન દ્વારા 3,37,000 કરતા વધુ લોકોને સુરતથી પ્રવાસીઓને પોતાના ઘરે મોકલવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, સુરત જિલ્લામાં 86 પોઝિટિવ કેસો નોંધાયા છે. સુરત શહેરના 1153 અને જિલ્લાના 86 મળીને કુલ 1239 કેસો નોંધાયા છે.
સુરત જિલ્લાના કુલ 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરત જિલ્લામાં બુધવારે પોઝિટિવ કેસોની સંખ્યા 84 હતી, જેમાં 02 કેસનો વધારો થવાથી ગુરૂવારે કુલ 86 કોરોના પોઝિટિવ કેસો થયા છે. જયારે કુલ 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટિવ કેસ પૈકી કામરેજ તાલુકાના નનસાડ ગામના 01 તેમજ મહુવા તાલુકાના કરચેલિયા ગામના 01 મળી આજે 02 કેસો મળી કુલ 86 કેસો આવ્યા છે. કુલ 7789 ટેસ્ટીંગ કરવામાં આવતાં 86 પોઝિટિવ અને 7658 નેગેટિવ કેસો જયારે 45 રિપીટ સેમ્પલ નોંધાયા છે.