લોકસભા ચૂંટણીનુ પરિણામ 23 મેના રોજ જાહેર થવા જઈ રહ્યુ છે. જેને લઈ તડામાર તૈયારીઓ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુરત લોકસભા બેઠક માટે SVNIT કોલેજમાં મત ગણતરી થનાર છે, પરંતુ ગુજરાતમાં જ્યારે લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ અને EVM ને સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા ત્યારથી જ કોંગ્રેસમાં એક ભયની લાગણી જોવા મળી રહી હતી. તેમને એમ છે કે, ભાજપા EVM મશીનમાં ચેડા કરી વિજય મેળવશે. તે કારણે સુરતના કોંગ્રેસ ઉમેદવાર અશોક પટેલના સમર્થકોએ મીડિયા રૂમમાં CCTV કેમેરાની વોચ કરી રહ્યા છે. જેથી ભાજપા ઈવીએમમાં કોઈપણ પણ જાતના ચેડા કરી શકે નહીં.
આ અંગે અશોક પટેલે જણાવ્યું કે, કાર્યકરોના કહેવા બાદ જ તેઓએ EVMમાં ચેડા ના થાય તે માટે કાર્યકરોને મીડિયા રૂમમાં કાર્યરત કર્યા છે. જેથી સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલા CCTV કેમેરા પર તેઓ બેસીને નજર રાખી શકે. આશરે 5 વધુ કાર્યકર્તાઓ ત્રણ શિફ્ટમાં એટલે 8-8 કલાક રહી સ્ટ્રોંગ રૂમ પર બાજ નજર રાખી રહ્યા છે.
અશોક આઘેવાળાનુ કહેવું છે કે, મીડિયા રિપોર્ટ અને કેટલાક અહેવાલો મુજબ ભાજપ EVMમાં ચેડા કરતી હોય છે. આ વખતે એવી કોઈ ઘટના ન બને તે માટે તેઓ EVMની ચોકીદારી કરી રહ્યા છે. તેઓ પોતે પણ પોતાના કાર્યકરોને મળવા મીડિયા રૂમમાં વારંવાર આવતા હોય છે.