- પ્લોટના માલિકે બે પશુપાલકો સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી
- પ્લોટનો કબજો નહીં છોડતા માલિકે જિલ્લા કલેકટરને ફરિયાદ કરી હતી
- ફરીથી અહીં પ્લોટ ખાલી કરાવવા આવ્યા તો અહીં જ દાટી દઈશું કહી પશુપાલકોએ ધમકી આપી
બારડોલી: કડોદરાના ગોકૂળ નગરમાં આવેલા ખૂલ્લા પ્લોટ પર પશુપાલકોએ ગેરકાયદેસર કબજો કરી તેના પર મકાન અને તબેલો બનાવી દેતાં પ્લોટના માલિકે પશુપાલકો સામે જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ કરી હતી. આ અંગે જિલ્લા કલેક્ટરે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાનો હુકમ કરતાં ગુરૂવારના રોજ કડોદરા જીઆઇડીસી પોલીસમથકમાં બે પશુપાલકો સામે ગુનો નોંધાયો છે. સુરત જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ આ પ્રથમ ગુનો છે.
વર્ષ 2008માં 6 પ્લોટ ખરીદ્યા હતા
સુરતના કુંભારિયા રોડ ડુંભાલ ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના વતની માંગીલાલ દલાજી પુરોહિત (ઉ.વ. 64)એ વર્ષ 2008માં કડોદરામાં આવેલા ગોકુળ નગર ખાતે 6 પ્લોટની ખરીદી કરી હતી. અને તેમના નામે દસ્તાવેજ પણ થઈ ગયા હતા.
પાંચ વર્ષ બાદ પ્લોટ જોવા જતા પશુપાલકોએ કબજો કરી લીધો હતો
આ પ્લોટ ખરીદી બાદ 5 વર્ષ પછી તેઓ તેમના પ્લોટ જોવા ગયા હતા, જ્યાં રેવાભાઈ વહાભાઈ ભરવાડ અને કાળુભાઈ વહાભાઈ ભરવાડ (બંને રહે ગોકુળ નગર, કડોદરા, તા. પલસાણા, જિ. સુરત)એ તેમના ખૂલ્લા પ્લોટમાં ઘાસચારો અને છાણનો ઉકરડો બનાવી દીધો હતો. આથી માંગીલાલે આ પ્લોટ ખાલી કરવા જ જણાવ્યું હતું. તે સમયે રેવા અને કાળું ભરવાડે તમારે જરૂર હશે ત્યારે તમારી જગ્યા ખાલી કરી દઈશું એવું જણાવી હતું, પરંતુ તેમ છતાં તેઓએ કબજો ખાલી કર્યો ન હતો.
પશુપાલકોએ મારી નાખવાની ધમકી પણ આપી
આથી ફરીથી કડોદરાના સ્થાનિક આગેવાનો સાથે પ્લોટ પર જતાં બંને આરોપીઓ અને પરિવારના સભ્યો ભેગા થઈ ગયા હતા. અને રેવા તેમ જ તેના દીકરાએ ઘરમાંથી કુલ્હાડી લાવી 'હવે તમારો પ્લોટ ભૂલી જાવ, અહીંથી ચાલ્યા જાવ ફરીથી આવ્યા તો મારી નાખી આ જ જગ્યા પર દાટી દઈશું' એમ કહી મારી નાખવાની ધમકી આપતા તેઓ ગભરાઈને જતાં રહ્યા હતા.
માલિકે જિલ્લા કલેકટરને કરી હતી ફરિયાદ
થોડા દિવસ બાદ ફરીથી બે દીકરાઓ સાથે માંગીલાલ પ્લોટ પર જતાં ત્યાં પ્લોટ પર રહેવાનું મકાન અને ગાય-ભેંસોને બાંધવાનો તબેલો બનાવી દીધો હતો. માંગીલાલે 8મી જાન્યુઆરી 2021ના રોજ સુરત જિલ્લા કલેક્ટરને જમીન પચાવી પાડવાના અધિનિયમ 2020 હેઠળ અરજી કરતાં અરજીની તપાસ મામલતદાર પલસાણાને સોંપવામાં આવી હતી. મામલતદારે સ્થળ તપાસ કરી ફરિયાદી અને આરોપીઓના નિવેદનો લઈ તપાસ રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપ્યો હતો.
કલેકટરના આદેશ બાદ નોંધાયો ગુનો
આ રિપોર્ટ બાબતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી કમિટીની બેઠકમાં આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવાના પ્રતિબંધ અધિનિયમ તથા આઇપીસી હેઠળ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમના આધારે માંગીલાલે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં રેવા વહા ભરવાડ અને કાળુ વહા ભરવાડ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.