સુરત: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં હાલ ચાલી રહેલા કોરોના વાયરસને લઇ તંત્ર દ્વારા કરવામાં આવેલી અપીલના પણ ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. લીંબાયત મદીના મસ્જિદ નજીકનો આ વાયરલ વીડિયોમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે નીકળી પડ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં સોશ્યિલ ડિસ્ટન્સ તો દૂર ની વાત રહી પરંતુ મોટાભાગના લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સુરતના સોશ્યિલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા તેની ગંભીર નોંધ સુરત પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે લીધી હતી. જ્યાં તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ પોલીસ કમિશનર દ્વારા ધર્મગુરુઓ અને આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રકારની ઘટનાનું ફરી પુનરાવર્તન ના થાય તે માટેના પગલાં ભરવા પણ આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ ના આદેશ બાદ લીંબાયત પોલીસે તાત્કાલિક ત્રણ જેટલા ગુના દાખલ કરી 25 જેટલા લોકોની અટકાયત કરી હતી. લોકડાઉનનો ભંગ કરતો વીડિયો વાયરલ મુદ્દે સુરત પોલીસ કમિશનરે સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું છે કે, આવી પરિસ્થિતિ ફરી જોવા મળશે તો જે છૂટછાટ આપવામાં આવી છે. તે પરત ખેંચી લેવામાં આવશે. વીડીયો વાયરલ થતા ધર્મગુરુઓ સાથે મિટિંગ કરવામાં આવી છે. તેમજ સ્થિતિનું પુનરાવર્તન ન થાય એ અંગે ચર્ચા કરવાામાં આવી છે. આ ખૂબ જ ગંભીર ઘટના છે. જે લોકો માટે પણ ઘાતક સમાન સાબિત થઈ શકે છે.
પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, બિનજરૂરી ઘરની બહાર નિકળનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. સુરતમાં એક જ દિવસમાં 2400 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. જ્યારે 250 જેટલા ગુનાઓ દાખલ કરાયા છે. જેમાં 350 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અત્રે નોંધવું જરૂરી છે કે, લીંબાયત વિસ્તારમાં જોવા મળેલ ઘાતક દ્રશ્યો અન્ય લોકો માટે પણ મોતને નોતરી શકે છે. જો આ પ્રમાણેનો હાલ સુરતમાં જોવા મળશે તો કોરોનાની જે ચેન છે. તેને તોડવામાં સુરત સફળ નહીં રહે. આ સાથે જ કોરોનાનું સંક્રમણ પણ અટકાવી નહીં શકાય. જેના માટે જો જવાબદાર હશે તો તે માત્ર સુરતના કેટલાક બેજવાબદાર નાગરિકો. જેથી સુરતના લોકોએ પણ સમજવાની જરૂર છે કે," ઘરે રહો , સૂરક્ષિત રહો."