ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે CA રવી છાવછરિયા દર વર્ષે 40 થી 45 વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેમને CAની પરિક્ષામાં સફળ બનવા માટે સજ્જ કરે છે. 4 વર્ષના સમયગાળા દરમિયાન આ વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ પ્રકારની ફી લીધા વિના તથા વિનામૂલ્યે રહેઠાંણ અને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવી છાવછરિયા પાસે શિક્ષણ મેળવનારા લગભગ 90% વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરિક્ષાના તમામ ત્રણ લેવલ સફળતાપૂર્વક પાસ કરે છે. જે બાદ પ્રોફેશનલ કારકિર્દી બનાવવાની દિશામાં આગળ વધે છે. ભારતમાં CA સ્ટાર્સ પોતાના પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે. જ્યાં કોઇપણ પ્રકારની ફી લીધા વિના વંચિત વિદ્યાર્થીઓને CA બનવા માટે જરૂરી શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પ્રોગ્રામનો ખર્ચ CA રવી પોતે ઉપાડે છે. તેમજ તેઓ કોઇપણ પ્રકારનું દાન પણ લેતાં નથી.
CA સ્ટાર્સના મોટાભાગના વિદ્યાર્થીઓ ફર્સ્ટ જનરેશન લર્નર હોય છે. તો તેમના માતા-પિતા શ્રમિક, ફુટપાથ વેન્ડર, નાના ખેડૂત અથવા રિક્ષા ડ્રાઇવર હોય છે. કેટલાંક બાળકો અનાથ પણ હોય છે. જેઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સચોટ માર્ગદર્શનથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા સજ્જતા કેળવે છે.
આ પ્રકારની પહેલથી અત્યાર સુધીમાં ઘણાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ લાવવામાં સફળતા મળી છે. તો આ સાથે જ અન્યોને પણ પ્રેરણા મળી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ નોન-ઇંગ્લિશ મીડિયમ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તો કેટલાક ગામડા અને નાના શહેરોની સરકારી શાળામાંથી અભ્યાસ કરીને જીવનમાં આગળ વધવાનો મક્કમ નિર્ધાર અને જુસ્સો ધરાવતા હોય છે.