સુરતઃ શહેરમાં સ્પાની આડમાં દેહવેપારનો ગોરખ ધંધો અવાર નવાર પોલીસ રેડ દરમિયાન સામે આવતો હોય છે. જેમાં અનેક મહિલાઓની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. હાલમાં જ સુરતના ઉમરા વિસ્તારમાં એક કિશોરી પાસે દેહવ્યાપાર કરાવતા પોલીસે આખુ રેકેટ ઝડપી પાડયુ છે અને આ ઘટનામાં સામેલ માસ્ટરમાઈન્ડની પણ ધરપકડ કરવામાં આવી છે. નાની ઉંમરમાં આવા જઘન્ય અપરાધમાં ધકેલનાર મહિલાઓ જ આખા રેકેટમાં સામેલ હોય છે. કિશોરી મૂળ વડોદરાની છે પરંતુ, તેને બહેલાવી ફોસલાવી અપહરણ કરી સુરતમાં લાવી બે વેપાર કરાવવામાં આવતું હતું. સુરતમાં સ્પાની આડમાં આ આખો ગોરખ ધંધા ચાલે છે. જેમાં કલકત્તા સહિત અન્ય રાજ્યોથી મહિલાઓ આવતી હોય છે. અનેકવાર વિદેશી મહિલાઓ પણ આ રેકેટમાં પકડાઇ ચૂકી છે. પરંતુ નાની ઉંમરની કિશોરીઓ સાથે આવું કૃત્ય થવું એ ખૂબ જ ચિંતાજનક બાબત છે.
સુરતની વાત કરવામાં આવે તો ઔદ્યોગિક શહેરમાં મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના પરિવાર વતનમાં છોડી આવે છે. શહેરમાં અનેક માધ્યમોથી સેક્સ વર્કર મળી જતી હોય છે. જેમાં હાલ સ્પા પણ સામેલ છે. સુરતની વાત કરવામાં આવે તો આવી 5000 જેટલી સેક્સ વર્કરો એનજીઓને ત્યાં રજિસ્ટર્ડ છે હાલ જ લોકડાઉનમાં તેમની સ્થિતિ પણ અન્ય ધંધાઓની જેમ કફોડી બની ગઇ હતી. આજીવિકાનું કોઇ સાધન ન રહેતાં એનજીઓએ તેમની માટે પુનર્વસનનું કાર્ય શરૂ કર્યું છે. કોરોના કાળમાં બેગ અને માસ્ક બનાવવાની ટ્રેનિંગ તેમને આપવામાં આવી રહી છે. જેથી તેમને આજીવિકા મળી રહે. આવા દેહવ્યાપાર સાથે સંકળાયેલી એક મહિલાએ જણાવ્યું હતું કે આજીવિકાના સાધન માટે તેઓ આ અંધકાર મય જીવનમાં ધકેલાયા છે
સેક્સ વર્કરોના પુનર્વસન માટે કાર્યરત શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર સોનલએ જણાવ્યું હતું કે, અનેકવાર ઘરની મહિલાઓ જ આવા વ્યવસાયમાં તેઓને ધકેલતી હોય છે. એક કિસ્સામાંમા એ જ પોતાની દીકરીને આ વ્યવસાયમાં ધકેલી દીધી હતી. જેની ફરિયાદ ખુદ દીકરીએ તેના પિતાને કરી હતી. આવી મહિલાઓને મુખ્યધારામાં આવે તે માટે તેમને અનેક કાર્ય શિખવાડવામાં આવી રહ્યું છે. જેમાં માસ્ક બનાવવાનો, બેગ બનાવવા સુધીના કામો તેઓ પોતે કરી શકે તે માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં તેઓ ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં જઈ પણ રોજગાર મેળવી શકે તે માટેની તજવીજ પણ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં તાત્કાલિક પોલીસ કમિશનર વી.કે ગુપ્તા શહેરના મુગલીસરા વિસ્તારમાં આવેલા રેડ એરિયાને મળેલી અનેકો ફરિયાદ બાદ સંપૂર્ણ રીતે બંધ કરાવી દીધો હતો તેના પક્ષમાં પણ અનેક લોકો ઊભા હતા અને કેટલાક લોકોએ વિરોધ પણ નોંધાયા હતા. આજે દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓ અનેક વિસ્તારોમાં જોવા મળે છે. જેમાં નાની ઉંમરની કિશોરી પણ સામેલ હોય એવું એનજીઓ પણ માને છે પરંતુ યોગ્ય ફરિયાદ ન મળતાં પોલીસ પણ કશું કરી શકે એમ નથી.