સુરત શહેરના નાનપુરા સ્થિત મકાઈ પુલ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે શહેર ભાજપ દ્વારા ધરણા- પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં સુરત શહેર ભાજપ પ્રમુખ, શહેર ભાજપના ધારાસભ્યો અને સાંસદો સહિત ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
સુરત શહેર ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાફેલ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અવાર નવાર વડાપ્રધાન સામે ટિપ્પણી કરવામાં આવી હતી. રાફેલ ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા હતા. જો કે, સમગ્ર તપાસ બાદ આખરે સુપ્રીમ કોર્ટે જાતે આ મુદ્દે ક્લીન ચીટ આપતા તેમના આરોપો ફગાવી દેવામાં આવ્યા હતા. એટલું નહીં પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાફેલ મુદ્દો ઉઠાવી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો.
રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન અને જાહેર જનતાની પણ માફી માગવી જોઈએ. જેને લઇ સુરત શહેર ભાજપ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.