બારડોલી ખેડૂત સત્યાગ્રહની પ્રેરણાદાયી સ્મૃતિઓને ચિરંજીવી કરવા ૧૯૭૪ની સાલમાં સરદાર પટેલ જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તે સમયના વડાપ્રધાન મોરારજી દેસાઈના હસ્તે આ સંગ્રહાલયના ભવનનું 'સરદાર સ્મૃતિ કેન્દ્ર' તરીકે પાયો નખાયો હતો. જેનું કામ તા ૨૨ જાન્યુઆરી ૧૯૮૧ના રોજ પૂરું થતા જે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે આ સરદાર સંગ્રહાલયને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ સંગ્રહાલય ભારતના લોહપુરુષ સરદાર પટેલના વ્યક્તિત્વ અને બારડોલી ખેડૂત સત્યાગ્રહના ઇતિહાસનો માહિતી સભર પરિચય કરાવે છે. સંગ્રહાલયનું પ્રદર્શન કુલ ૨૦ ખંડોમાં કરવામાં આવ્યું છે. જેને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે.
૧) સરદાર જીવન દર્શન
૨) બારડોલી સત્યાગ્રહ
૩) રચનાત્મક કાર્યક્રમો
સંગ્રહાલયનું પ્રદર્શન મોટા ભાગે શ્વેત અને શ્યામ દસ્તાવેજી ફોટોગ્રાફ્સનું બનેલ છે. જેમાં ખંડ ૧ થી ૫ માં સરદાર જીવન દર્શન, કુટુંબીજનો, તેમનું બાળપણ, શિક્ષણ, વકીલાત, ગાંધીજીની સ્મશાન યાત્રા, હિંદ છોડો ઠરાવ, પ્રધાન મંડળમાં મંત્રણા, રજવાડાઓનું વિલિનીકરણ વગરેની ઝાંખી જોવા મળે છે. ખંડ ૬ થી ૧૪ માં બારડોલી ખેડૂત સત્યાગ્રહના વિવિધ દ્રશ્યો અને તસ્વીર જોવા મળે છે.
આ ઉપરાંત સત્યાગ્રહના સમયના પ્રસંગો દર્શાવતા ડાયરાઓ અનુક્રમે 'સાચા સરદાર', 'બારડોલીના લેનિન' અને 'બારડોલીની વિરંગનાઓ જોવા મળે છે. આમ, સંગ્રહાલયના પ્રદર્શન દ્વારા મુલાકાતીઓને સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિનો ચિતાર જોવા મળે છે. મહત્વની બાબત એ છે કે, સરદારના જીવન અને બારડોલી સત્યાગ્રહની તસ્વીરની ઝાંખી કરાવતા આ સંગ્રહાલયને લોકો માત્ર ૧ રૂપિયા ફી આપીને નિહાળી શકે છે.