સુરત : બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 26 અને 27 મેના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. સુરતમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર ભરાવાને લઇને ધીરેન્દ્ર શાસ્ત્રીના ચાહકો જે તૈયારીઓ કરી રહ્યાં છે તેમાં ભાજપના ધારાસભ્યો સહિતના ગણમાન્ય લોકો સક્રિય ભાગ ભજવી રહ્યાં છે. એવામાં ગણગણાટ છે કે આ કાર્યક્રમ ભાજપ દ્વારા હાઇજેક થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓ ભલે કહે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ સાથે સીધા જ કોઈ પણ લેવા દેવા નથી.પરંતુ સુરત ખાતે આયોજીત કાર્યક્રમને લઈ આજે જ્યારે વિગતો આપવામાં આવી રહી હતી ત્યાં પણ ભાજપ ધારાસભ્ય સંગીતા પાટીલ અને સંદીપ દેસાઇ સહિત ભાજપ નેતાઓ હાજર રહ્યાં હતાં.
કાર્યક્રમ આયોજક કિરણ પટેલ લંડનના : કાર્યક્રમના આયોજનમાં કિરણ પટેલનું નામ દરેક જગ્યાએ લેવામાં આવે છે. તેઓ મૂળ લંડન રહેવાસી છે. તેમણે જણાવ્યું હતું કે લંડન ખાતે આયોજિત રામકથામાં જ તેમનો પરિચય ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે થયો હતો.
તેઓ મને ધર્મની માતા માને છે. ભાજપ નેતાઓ આ સમિતિમાં હોય તો તમામ લોકો જે સનાતન અને હિન્દુ રાષ્ટ્રના સમર્થક છે તેઓ આ કાર્યક્રમમાં શામેલ છે. ભાજપનો આ કાર્યક્રમ થઈ ગયો હોય એવું મને લાગતું નથી. જે લોકો સમર્થક છે તેઓ જ આ કાર્યક્રમમાં શામેલ છે...કિરણ પટેલ (આયોજક)
સ્થાનિક ભાજપની હરદમ સક્રિયતા : સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબાર કાર્યક્રમ માટે કહેવાયું છે કે લાખોની જનમેદની ઉમટશે ત્યારે ત્યારે સ્થાનિક ભાજપ જનતાની નજરમાં આવવા કાર્યક્રમનો દોર હાથમાં લઇ રહ્યો હોય તેમ બાગેશ્વર ધામ સમિતિમાં પણ બધાં સભ્યોમાંથી મોટાભાગે ભાજપના ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓ જોવા મળે છે.ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દરેક દરબારમાં હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે અને ભાજપના નેતાઓ તેમના સુરત ખાતે આયોજિત કાર્યક્રમમાં આયોજન સમિતિમાં છે તેથી અનેક સવાલો ઊભા થઇ રહ્યાં છે.
સ્વાભાવિક છે કે સમિતિમાં હું અને અન્ય ભાજપના નેતાઓ શામેલ છીએ. કારણ કે જે પણ કાર્યક્રમ થઈ રહ્યો છે તે અમારા વિસ્તારમાં છે. કારણ કે અમે હિન્દુ છીએ અને અમે સનાતન ધર્મમાં માનીએ છીએ. આ જ કારણે આ કાર્યક્રમની અમે સંભાળ લઈ રહ્યાં છીએ...સંગીતા પાટીલ (લિંબાયત બેઠકના ધારાસભ્ય)
હિન્દુ રાષ્ટ્રની વાતનું સમર્થન? : બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબાર કાર્યક્રમમાં સ્થાનિકો જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યમાંથી પણ લોકો આવવાના છે. ત્યારે તેઓ માટે પીવાના પાણીની તથા શૌચાલયની વ્યવસ્થાઓ, ગરમીથી બચાવની વ્યવસ્થાઓ ગોઠવવામાં પણ ભાજપના ધારાસભ્યો અને નેતાઓની પ્રત્યક્ષ કામગીરી જોવા મળતી હતી. ત્યારે ધારાસભ્ય સંદીપ દેસાઇએ પણ સહજતાથી સ્વીકાર કર્યો હતો કે હિન્દુ રાષ્ટ્રની વાત બાબા બાગેશ્વર ધામ કહેતાં હોય તો તેમાં કંઇ ખોટું નથી. ભારત દેશમાં દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને પોતાની વાત રજૂ કરી શકે છે.
ભારત દેશમાં દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. તેઓ શું કહે છે તેમની વ્યક્તિગત વાત છે, પરંતુ હિન્દુઓની વાત કહેવી એ ખોટું નથી... સંદીપ દેસાઈ (ધારાસભ્ય, ચોર્યાશી)
કાર્યક્રમની રૂપરેખા નેતાઓએ આપી : બીજી બાજુ ભાજપના જ પ્રદેશ લેવલના નેતાઓ જણાવી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ સાથે ભાજપ સીધી રીતે જોડાયેલ નથી. તેમ છતાં જ્યારે આ સુરતના કાર્યક્રમને લઈ પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપના બે ધારાસભ્ય સહિત બીજા નેતાઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા પણ ભાજપના નેતાઓએ જ આપી હતી.
Bageshwar Dham : ધીરેન્દ્ર શાસ્ત્રી આવે તે પહેલા તે તેના રસોયા સહિત 75 લોકોની ટીમ રાજકોટ આવી જશે