સુરત: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી દિવ્ય દરબારને લઈને ગુજરાતમાં આગમન થઇ ચૂક્યું છે. ગુરુવારે બપોરે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બાગેશ્વર બાબા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પહોંચતા તેમનું ભાવ સ્વાગત થયું હતું. હવે આગામી કાર્યક્રમને લઈને તેઓ સુરત પહોંચ્યા છે. બાબના આગમનને લઇ સુરતમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી.
સુરતની પ્રજાને પ્રેમથી પાગલ કહ્યા : એરપોર્ટ પર આગમન સાથે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરતની પ્રજાના પ્રેમને જોઈ તેઓને પાગલ કરીને સંબોધ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જય દ્વારકાધીશ જય બાગેશ્વર ધામ કહીને મીડિયા ને નિવેદન આપતા તેઓએ જણાવ્યું હતું કે, ખૂબ જ અદભુત છે સુરતના તમામ પાગલોને સાધુવાદ,બાગેશ્વર બાલાજી ની કૃપા થાય. તમામ લોકો દિવ્ય દરબારમાં અને પરમ દિવસે તથા પ્રવચનમાં આવે. એક દિવસીય દિવ્ય દરબાર અને ત્યાર પછી કથા નું આયોજન તેમજ વિભૂતિ વિતરણ છે.
ચાર્ટર્ડ પ્લેનથી પહોંચ્યા સુરત: સુરત પહોંચતા જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તે મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે આરતીની થાળી સાથે સુરતી માતા કિરણ પટેલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત એરપોર્ટ પર હાજર રહ્યા હતા. બાબા બાગેશ્વર સુરત પણ ચાર્ટર્ડ પ્લેન મારફતે જ પહોંચ્યા હતા. માતા કિરણ પેટલ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું આરતી ઉતારી સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટ બહાર આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે. આવતીકાલે દિવ્ય દરબાર અને 27 તારીખે કથા અને ભભૂતી વિતરણ કરાશે.
આલીશાન રિસોર્ટમાં બાબાનું રોકાણ: સુરત એરપોર્ટથી બાબા અબરામા ખાતે રવાના થયા હતા. જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મમાં રાત્રિ રોકાણ કરશે. આ ફાર્મ હાઉસ ગુજરાતના પ્રખ્યાત બિલ્ડર લવજી બાદશાહનો છે. ફાઈવ સ્ટાર હોટલ અને રિસોર્ટને ટક્કર આપનાર આ ફાર્મ હાઉસ તાપી નદી કિનારે છે. જેની અંદર સ્વિમિંગ પૂલ, હોમ થિયેટર, સેલ્યુન, મંદિર અને સ્પાની તમામ સુવિધાઓ છે જે એક હોટલની અંદર લોકોને મળતી હોય છે. આ ફાર્મ હાઉસનો ઇન્ટિરિયર આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે. ફાર્મ હાઉસ 20000 સ્ક્વેર મીટરમાં તૈયાર થયું છે.
અમદાવાદમાં સંબોધન: આ પહેલા અમદાવાદમાં ચાલી રહેલી દેવકીનંદન ઠાકુરની કથામાં તેમને હાજરી આપી હતી. રામ મંદિરના નિર્માણને લઈને તેઓનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે એક તરફ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે બીજી તરફ મથુરામાં આપણે કનૈયાનું મંદિર પણ બનાવવાનું છે. તેમને કહ્યું કે તેઓ ગુજરાતમાં પ્રથમ વખત આવ્યા છે અને 10 દિવસ ગુજરાતમાં રહેશે. 29 તારીખ સનાતન ધર્મ વાત કરીશું.