સુરતઃ શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલા ડાયમંડ કંપની દ્વારા છૂટા કરાયેલા 60 જેટલા રત્નકલાકારોને નોકરી પરત ન લેવાતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી કંપની સામે કાર્યવાહિની માગ કરવામાં આવી હતી.
ડાયમંડ કંપની દ્વારા છૂટા કરાયેલા વર્કરોને પરત લેવા માગ
- ડાયમંડ કંપનીએ 60 જેટલા રત્ન કલાકારોને કર્યા છૂટા
- ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર
- રત્ન કલાકારો દ્વારા ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે કલાકારોને પરત કામ પર લેવા કરાઇ માગ
વરાછા વિસ્તારમાં આવેલી કે ગીરધરલાલ ડાયમંડ કંપની દ્વારા 60 જેટલા રત્ન કલાકારોને 3 થી 4 દિવસ કોઈ કારણ વગર અથવા નોટિસ વિના કામેથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. જે આરોપ સાથે 60 જેટલાં રત્ન કલાકારોએ યોગીચોક ખાતે સુરત ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે જઈ રજૂઆત કરી હતી. લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં પણ રત્ન કલાકારોને છૂટા કરી દેવાતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર કમિશનરની ઓફિસ સામે ધરણા યોજી રત્ન કલાકારોને પરત લેવા માગ કરવામાં આવી હતી.
ડેપ્યુટી લેબર કમિશનર દ્વારા પણ કંપનીના સંચાલકોને વાટાઘાટ માટે બોલાવવામાં આવ્યા હતા. જે બાદ લેબર ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં ડાયમંડ વર્કર યુનિયનના અગ્રણીઓ અને રત્ન કલાકારો સહિત કંપનીના માલિકો વચ્ચે વાટાઘાટ પણ થઈ હતી. કંપની દ્વારા ગોળ ગોળ જવાબ આપી રત્નકલાકારોને કામે પરત ન લેવા માટેનું વલણ દર્શાવ્યું હતું.
જેના અનુસંધાનમાં શુક્રવારના રોજ રત્નકલાકારોને પરત કામે લેવામાં આવે તેવી માગ સાથે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, કંપની રત્ન કલાકારોને પરત લેવા નથી માગતી જેથી હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં રત્નકલાકારોનું શોષણ થઈ રહ્યું છે. જેથી કંપની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને કરવામાં આવી છે.