- અરવિંદ દેસાઈનું 82 વર્ષની વયે થયું નિધન
- હળપતિ સેવા સંઘના પ્રમુખ તરીકે વર્ષોથી કાર્યરત હતા
- ભૂમિહીન હળપતિ સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું
સુરતઃ બારડોલીની હળપતિ સેવા સંઘ અને બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘના પ્રમુખ તેમજ પ્રખર ગાંધીવાદી અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈનું બુધવારે રાત્રે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 82 વર્ષના હતા.
અનેક આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી શાળાનું સંચાલન કરતા હતા
અરવિંદ દેસાઈ દક્ષિણ ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હળપતિ સેવા સંઘના નેજા હેઠળ અનેક આશ્રમ શાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓનું સંચાલન કરતા હતા. જેમાં વિસ્તારના આદિવાસી બાળકો અભ્યાસ કરતા હતા. અરવિંદ દેસાઈ દક્ષિણ ભૂમિહીન ખેતમજૂરો એવા હળપતિ સમાજના વિકાસ માટે કાર્ય કર્યું હતું. તેમણે હળપતિ સમાજના લોકો માટે ઘરથાળના પ્લોટ, આવાસની સુવિધા તેમજ બુનિયાદી શિક્ષણ આપતી આશ્રમ શાળા દ્વારા શિક્ષણ અને રોજગાર માટેના અથાગ પ્રયત્નો કર્યા હતા.
આ પણ વાંચોઃ સંગીતકાર કલ્યાણ સેનનું કોરોનાના કારણે નિધન
ડાંગથી ડેડીયાપાડા સુધી આશ્રમ શાળાની શૃંખલા રચી
અનાવિલ બ્રાહ્મણ હોવા છતાં તેમણે પોતાની જિંદગી આદિવાસીઓની સેવામાં હોમી દીધી હતી. ડાંગથી લઈને ડેડીયાપાડા સુધી જે આશ્રમ શાળાઓની શૃંખલા રચાય તેનો શ્રેય અરવિંદ દેસાઈને જાય છે.
તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા
ત્રણેક દિવસ પહેલા તેમને થોડી તકલીફ થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું રાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેમના પિતા છોટુભાઈ દેસાઈએ પણ ગાંધીજી સાથે રહી તેમનું જીવન ગરીબ આદિવાસી પ્રજાની સેવા માટે અર્પિત કરી દીધું હતું. તેમના જવાથી બારડોલી પ્રદેશની સાથે સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજે એક મસીહા ગુમાવ્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે.