- કેરલના રાજ્યપાલે સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી
- આશ્રમની બાળાઓ સાથે વાર્તાપાલ કર્યો
- આઝાદીના લાડવૈયાઓની યાદ તાજી કરી
સુરત: કેરલ રાજયના રાજ્યપાલ આરીફ મહમદ ખાને આજે શનિવારે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી હતી. બારડોલી સ્વરાજ આશ્રમની ઔપચારિક મુલાકાતે આવેલા આરીફ મહમદ ખાને જણાવ્યું હતું કે, બારડોલી આશ્રમ એ રાષ્ટ્રીય તીર્થ છે. અહીંની મુલાકાત વેળાએ રાષ્ટ્રની આઝાદી માટે શહિદી વહોરનારાઓના બલિદાનોની યાદ તાજી થાય છે.
સ્વરાજ આશ્રમની મુલાકાત લેવા અનુરોધ કર્યો
અંગ્રેજોની ગુલામીની ઝંઝીરોમાંથી દેશને આઝાદ કરવા માટે અનેક વીરોએ પોતાના બલિદાનો આપ્યા છે. લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓ ત્યાગ અને તપસ્યાથી આઝાદી સાથે સંકળાયેલા સ્મૃતિ સ્થાનોની મુલાકાતોથી નવા આત્મવિશ્વાસ અને આત્મબળનો સંચાર થાય છે. તેમના બલિદાનોને યાદ કરી નવી પેઢી આઝાદીના ઇતિહાસને સમજી તેમાંથી પ્રેરણા લે તેવા આશયથી આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સત્યાગ્રહીઓને સ્મરણાંજલિ આપવા એકવાર સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાત લેવાનો અનુરોધ રાજ્યપાલે કર્યો હતો.
આ પણ વાંચોઃ બારડોલી ભવિષ્યમાં તીર્થસ્થાન બનવાનું છે, એને સાચવજો: સરદાર વલ્લભભાઇ પટેલ
અંકલેશ્વરથી દાંડીયાત્રામાં જોડાયા હતા
કેરલના રાજ્યપાલ અમદાવાદથી નીકળેલી દાંડીયાત્રામાં અંકલેશ્વરથી જોડાયા હતા. ત્રણ કિમી સુધી પદયાત્રા કરી હતી. ત્યારબાદ ખજોદ ખાતે દાંડીયાત્રામાં ભાગ લેનારાઓને સંબોધ્યા હતા. તેમણે અહિંસા અને ડરપોકતા વચ્ચેની ભેદરેખા સમજાવતા જણાવ્યું હતું કે, ગાંધીજીનું આંદોલન અહિંસાત્મક હતું, પરંતુ અહીંની પ્રજા ડરપોક નહોતી.
વિદ્યાર્થિનીઓને અન્ય માટે જીવવાની શીખ આપી
રાજ્યપાલે સરદાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ સાથે વાર્તાલાપ કરતા પોતાના માટે નહીં અન્ય માટે જીવવાની શીખ આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, સ્વરાજ આશ્રમ પ્રમુખ ભીખા પટેલ, માનદ મંત્રી નિરંજના ક્લાર્થી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.