સુરત : શહેરમાં વસતા રત્ન કલાકારોને વતન પરત મોકલવા જિલ્લાની કચેરી ખાતે રાજ્યના આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં રાજ્ય સરકારના ઓફિસર તેમજ ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાશે.
આ બેઠકમાં રત્ન કલાકારોને પોતાના વતન કઈ રીતે મોકલવા, નિયમોનું પાલન કઈ રીતે કરવું તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે શું કરવુ આ મહત્વના મુદ્દા પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જ્યાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી આ બાબતે અંતિમ નિર્ણય જાહેર કરશે.
જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે યોજાવા જઈ રહેલી મહત્વની આ મિટિંગ પહેલા રાજ્ય આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, રત્ન કલાકારોને તેમના વતન મોકલવા રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે, પરંતુ તમામ રત્ન કલાકારોને કઈ રીતે મોકલવા અને કઈ રીતની વ્યવસ્થા ગોઠવવી તે અંગે બેઠક યોજવામાં આવી રહી છે.
આ સંદર્ભે બનાવવામાં આવેલી કમિટીના સભ્યો બેઠકમાં હાજર રહેશે. અહીંથી રત્ન કલાકારોને પોતાના માદરે વતન લઈ જવા અને ત્યારબાદ તેઓને તેમના જ ઘરમાં હોમ ક્વોરોન્ટાઇન કરવા કે પછી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ ક્વોરોન્ટાઇન કરવા તે અંગેનો પાવર જે તે ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો છે. જ્યાં આ બાબતે પણ બેઠકમાં ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવામાં આવશે.