- સુરતના ઉધના મગદલ્લા રોડ પર થયો હતો અકસ્માત
- રોડ કિનારે ઉભેલી યુવતીને નશામાં ચૂર ચાલકે લીધી હતી અડફેટે
- યુવતીનું સ્થળ પર જ મોત થયું હતું
સુરતઃ જિલ્લામાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં બારડોલીના વધાવા ગામની યુવતીનું મોત થયું હતું, ત્યારે તેના પરિવારને ન્યાય મળે તે માટે બારડોલી પ્રદેશ ચૌધરી સમાજ અને આદિવાસી હિત સંવર્ધન સમિતિ દ્વારા બારડોલી પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં અતુલ વેકરીયાને આકરી સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
બારડોલી વિસ્તારમાં અતુલ વેકરિયા સામે લોકોમાં રોષ
સુરત શહેરના વેસુવ વિસ્તારમાં અતુલ બેકરીના માલિક અતુલ બાબુ વેકરીયાએ નશાની હાલતમાં કાર હંકારી રોડની સાઇડે ઊભેલી યુવતીને અડફેટમાં લેતા તેનું મોત નીપજયું હતું. યુવતી બારડોલી તાલુકાનાં વધાવા ગામની રહેવાસી હતી, ત્યારે બારડોલી તાલુકામાં પણ અતુલ વેકરીયાની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતક યુવતીના પરિવારજનોને ન્યાય મળે તેમજ આરોપી અતુલ વેકરીયાને કડક સજા થાય તેવી માગ સાથે બારડોલી પ્રદેશ ચૌધરી સમાજ અને આદિવાસી હિત સંવર્ધન સમિતિ દ્વારા બારડોલી પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તટસ્થ તપાસની કરાઈ માગ
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસતંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવી હોત તો અકસ્માત કરનારો બિનજામીનપાત્ર કલમ હેઠળ જેલમાં હોત, પરંતુ કાયદો માત્ર ગરીબો માટે જ હોય તેમ અહીં પણ પૈસા આગળ કાયદો કઠપૂતળી બની ગયો છે. આ પ્રકારના કૃત્યોમાં શોષવાનું હમેશા ગરીબવર્ગના લોકોને આવે છે. ઉર્વશી તેના પરિવારનું ભરણપોષણ કરનારી એક માત્ર સંતાન હતી. જેથી આ ઘટનામાં ન્યાયપાલિકા તટસ્થતાથી કાર્ય કરે અને મૃતક પરિવારને યોગ્ય આર્થિક સહાય મળે તેમજ આરોપીને છાવરનારા પોલીસ તંત્ર સામે પણ સખ્ત કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.