- રસ્તો ક્રોસ કરતી વખતે ટેન્કરે મારી ટક્કર
- સાળા બનેવી કામરેજ જઇ રહ્યાં હતા
- બનેવીનું સ્થળ પર જ થયું મોત
બારડોલી: કામરેજ તાલુકાના વલથાણ ગામની સીમમાં કોસમાડી પાટિયા પાસે અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે 48 પર એક ટેન્કરે રસ્તો ક્રોસ કરી રહેલા બાઇકને અડફેટમાં લેતા બાઇક પર પાછળ બેઠેલા યુવકનું ટેન્કરનું પૈડું ફરી વળતા સ્થળ પર જ મોત થયું હતું.

ઉભેલી ટેન્કર અચાનક પુરઝડપે આવી જતા સર્જાયો અકસ્માત
કોસમાડી ગામે ટાંકી ફળિયામાં રહેતો અશોક રમણભાઈ વસાવા રવિવારે સવારે પોતાની ફોઈના જમાઈ એટલેકે બનેવી માંડવી તાલુકાના વરેઠી ખાતે રહેતા ભરત રમેશ વસાવા (36) સાથે કામરેજ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. તેઓ કોસમાડી પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર 48 ક્રોસ કરી રહ્યાં હતા, તે સમયે હાઈવે પર ઉભેલી ટેન્કર અચાનક પુરઝડપે તેમની તરફ આવી મોટર સાયકલને અડફેટમાં લીધી હતી.

ટેન્કરનું વ્હીલ ફરી વળતા યુવકનું મોત
આ અકસ્માતમાં બાઈક સાથે બંને નીચે પટકાયા હતા, જે પૈકી ભરત વસાવાના માથા પરથી ટેન્કરનું તોતિંગ વ્હીલ ફરી વળતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અશોકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

શનિવારે રાત્રે જ ભરત સાસરે રહેવા માટે આવ્યો હતો
ભરત વસાવા શનિવારના રોજ પત્ની સાથે સાસરે રહેવા માટે આવ્યો હતો. રવિવારના રોજ અશોક કામરેજથી લાવેલા ચોખા બરાબર ન હોવાથી તે બદલવા માટે ભરત સાથે મોટર બાઈક પર કામરેજ જવા નીકળ્યો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ પણ વાંચો : ધનસુરા-બાયડ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, 1નું મોત