સુરત : માંગરોળ તાલુકાના ઝંખવાવ નેત્રંગ મુખ્ય માર્ગ ઉપરના રેલવે ફાટક નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ પર બાઈક નંબર GJ-05-SY-1618 નો ચાલક પોતાની બાઈક પુરઝડપે ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો. ત્યારે તેણે અન્ય એક બાઈક ચાલકને ટક્કર મારી હતી. જેમાં રોડ પર પટકાતા તે બાઈકચાલક યુવકનું મોત નિપજ્યું હતું.
ગોઝારો અકસ્માત : સમગ્ર બનાવની વિગતવાર માહિતી અનુસાર 25 વર્ષીય હીતેશભાઈ વિજયભાઈ વસાવા હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઈક લઈને આવી રહ્યો હતો. ત્યારે તેને અન્ય બાઈકચાલકે ટક્કર મારતા યુવક રોડ પર પટકાયો હતો. જેથી હિતેશભાઇને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવકને સારવાર અર્થે ઝંખવાવ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોકટરોએ હિતેશભાઈને મૃત જાહેર કર્યો હતો. જેની ફરિયાદ હિતેશભાઈના પિતા વિજયભાઈએ ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તેઓએ GJ 05 SY 1618 નંબરની બાઈકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જુવાનજોધ દીકરાનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોક પ્રસરી ગયો છે.
બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જતો. જેમાં એક યુવકનું મોત થયું છે. મૃતક યુવકના પિતાએ ઝંખવાવ પોલીસ મથકે ફરિયાદ આપી છે. જે ફરિયાદના આધારે તપાસ શરૂ છે.-- એ.જે દેસાઈ (PSI, ઝંખવાવ પોલીસ મથક)
સુરત પોલીસની કાર્યવાહી : અન્ય બનાવની વાત કરીએ અકસ્માતની ઘટના પ્રત્યે લોકો ગંભીર બને તે હેતુસર સુરત પોલીસના ઇતિહાસમાં સૌપ્રથમ હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે આરોપીની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ ખાતેની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. હમણાં સુધી દારૂ, જુગાર સહિત ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ જ માત્ર પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ પ્રથમ વખત એવું બન્યું છે કે, ગંભીર અકસ્માતની ઘટનામાં આરોપીના પાસા કરવામાં આવ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક માસ અગાઉ હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં સુરત પીસીબીએ આરોપીને પાસા હેઠળ ધકેલી કડક કાર્યવાહી કરી છે. જે નશામાં વાહન હંકારી ગંભીર અકસ્માત કરતા તત્વો માટે એક દાખલારૂપ કિસ્સો બનીને સામે આવ્યો છે. ડ્રિંક એન્ડ ડ્રાઇવ દરમિયાન ગંભીર અકસ્માતની ઘટનાને આમંત્રણ આપતા તત્વોમાં સુરત પોલીસે એક કડક દાખલો બેસાડ્યો હતો.