સુરત: જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો. માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીક કોઈક ખામી સર્જાતા ટેમ્પા ચાલકે હાઇવે પર ટેમ્પો ઊભો રાખ્યો હતો તે દરમિયાન પાછળથી આવી રહેલ એક મોપેડ ચાલકે પોતાના કબજાની મોપેડ ઘુસાડી દેતા મોપેડ પર સવાર વિદ્યાર્થીનીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓનું મોત નિપજ્યું હતું.
મૃતક વિદ્યાર્થીનીનું નામ ટીશા પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ ઓલપાડ તાલુકાના કુડસડ ગામ ખાતે આવેલ ધનવંતરી કોલેજમાં ફાર્મસીના પહેલાં વર્ષમાં અભ્યાસ કરતી હતી. દિવાળીનું વેકેશન ખુલ્યા બાદ તેઓ આજે પ્રથમવાર તેઓના પિતા સાથે કોલેજ જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને આ અકસ્માત નડ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે તેઓનું મોત થતાં તેઓના પરિવારમાં તેમજ મિત્ર વર્તુળમાં શોક પ્રસરી ગયો હતો. સમગ્ર મામલે હાલ કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
અકસ્માતની ઘટનામાં એક યુવતીનું મોત: કોસંબા પોલીસ મથકના જમાદાર રાહુલ ભાઈએ જણાવ્યું હતું કે આ અકસ્માતની ઘટનામાં એક યુવતીનું મોત થયું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. હાલ આગળની તજવીજ હાથ ધરાઇ છે.