- પલસાણાથી સુરત જતા રોડ પર બની ઘટના
- એક જ પરિવારના ચાર સભ્યો રિક્ષામાં સચિનથી પલસાણા જઈ રહ્યા હતા
- એકનું મોત અને ત્રણને ઇજા
બારડોલી: સચીનથી પલસાણા તરફ આવતા રોડ ઉપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી હોટલની સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક રિક્ષાને અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પુરઝડપે આવતી કારે રીક્ષાને મારી ટક્કર
સુરત જિલ્લામાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સુરત જિલ્લાના પલસાણા ખાતે નેશનલ હાઈવે-53 ઉપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી હોટલની સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક રિક્ષાને અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા દુર્ઘટના ઘટી હતી. ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી ગર્ભવતી મહિલા સવિતા ઉર્ફે છોટી રાહુલ શાહુનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી
જ્યારે અન્ય ત્રણ પુરુષને ઇજા પહોંચતા સારવાર માટે પલસાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક જ પરિવારના સભ્યો રિક્ષામાં બેસી સચીનથી પલસાણા ખાતે સંબંધીને ત્યાં આવી રહ્યા હતાં તે સમયે કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.