સુરત: કોરોના વાઇરસના કારણે બે માસ સુધી લોકોએ ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. જોકે હાલ રાજ્ય સરકારે આપેલી છૂટ બાદ ધંધા વેપાર શરૂ થતા લોકોને આંશિક રીતે મોટી રાહત મળી છે. પરંતુ આ પરિસ્થિતિમાં પણ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના દંડ ફટકારવામાં આવી રહ્યો છે. કોરોનાની કપરી સ્થિતિમાં લોકો હાલ પણ હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં શહેર પોલીસને માત્ર વાહન ચાલકોને દંડ ફટકારવામાં વધુ રસ છે. જેને લઈ પ્રજાહિતમાં શનિવારના રોજ સુરત આમ આદમી પાર્ટી દ્વારા શહેર ટ્રાફિક ડીસીપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, કોરોનાની કપરી સ્થિતિમાંથી લોકો હજી બહાર આવી શક્યા નથી. ત્યારે પોલીસ દ્વારા લોકો પાસે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઉઘરાવવામાં આવતો દંડ હાલ યોગ્ય નથી. લોકો પાસે કામ ધંધા પણ નથી કે લોકો પાસે પૈસા પણ નથી બચ્યા. રાજ્ય સરકારને આ મામલે રજૂઆત કરવી યોગ્ય નથી. પરંતુ સુરત પોલીસમાં બેઠેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓ જાતે આ મામલે પ્રજાના હિતમાં વિચાર કરે તેવી લાગણી અને માંગણી છે. જો આ મામલે કોઇ નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં પ્રજાને સાથે રાખી વિરોધ નોંધાવવામાં આવશે.
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિરોધમાં સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા, સાથે મોટા ભાગના કાર્યકર્તાઓના શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા હતા. ટ્રાફિક પોલીસનો વિરોધ કરવામાં આપના કાર્યકર્તા અને ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને તેમના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરની ગાઇડલાઇનની લીરેલીરા ઉડાવવામાં આવ્યા હતા.