સુરતઃ જિલ્લાના માંગરોળ તાલુકાના પાંચથી વધુ ગામમાં ખુંખાર દીપડા ખેડૂતના મિત્ર બન્યા છે. માંગરોળના વેલાછા, શેઢી, લીંબાડા, સિમોદરા, આસરમા ગામની સીમમાં દીપડા ખેડૂતના મિત્ર બન્યા છે.
શેઢી ગામની સીમમાં કિમ નદીના કિનારે આવેલા ફાર્મ હાઉસમાં સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા રાત્રે નીકળતા દીપડાઓની હિલચાલ પર નજર રાખે છે. ખાસ કરીને આ વિસ્તારના દીપડાઓ ખેડૂતો અને ખેત મજૂરોથી પરિચિત છે. જેથી એકવાર આમનો સામનો થઈ જાય તો માણસ અને દીપડા પોતાના રસ્તે વળી જાય છે. ક્યારેય આ વિસ્તારમાં દીપડાઓએ ખેડૂત કે ખેત મજૂરો પર હુમલો કર્યો નથી.
માંગરોળ તાલુકાના શેઢી, વેલાછા, સિમોદરા, લીંબાળા, આસરમા ગામની સીમમાં દિન પ્રતિદિન દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ આ ગામના ખેડૂતો કે ખેતમજૂરો દીપડાથી ડરતા નથી. કેમકે દીપડાઓ ખેડૂતોના મિત્ર બની ગયા છે. ગામની સીમમાં દીપડાની સંખ્યા વધતા પાકને નુકસાન કરતા જંગલી ભૂંડનો ત્રાસ બંધ થઈ ગયો છે. ઉપરાંત ગામની સીમમાં ખેતરોમાં થતી ચોરી પણ બંધ થઈ ગઈ છે. દીપડાના સંરક્ષણ માટે માટે કામ કરતા વન પ્રતિનિધિઓ દીપડાની હલચલ પર સતત નજર રાખે છે. તેમજ તેઓ દીપડા બચાવો અભિયાન અને જનજાગૃતિ માટે કામ કરે છે, વન પ્રતિનિધિઓ લોકો અને દીપડા વચ્ચેનું ઘર્ષણ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.