સુરત ક્રાઈમ બ્રાન્ચે આ લૂંટની ઘટનામાં આર્ય ભટ્ટની ધરપકડ કરી છે. થોડા દિવસ અગાઉ ઉમરા પોલીસ મથક વિસ્તારમં આવેલી ગોકુલ ડેરી પાસે 86 વૃદ્ધ મહિલા ઘરેથી મંદિરે જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર સાથે પહોંચેલા આર્યએ મહિલાને પોતાની ઓળખ આપી મંદિરે ઉતારી દેશે તેમ જણાવ્યું હતું. આ વૃદ્ધાને યુવક સંસ્કારી લાગતા તે ગાડીમાં બેસી ગયા હતા. જો કે, થોડે દૂર ગયા બાદ આર્યએ પોતાના સાચા સંસ્કાર દર્શાવ્યા હતા.
તેણે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી વૃદ્ધાને મારી નાખવાની ધમકી આપી હતી. અચાનક બનેલી ઘટનાથી મહિલા ડરી ગઈ હતી. બાદમાં આર્યએ ડુમ્મસ નજીક અવાવરું જગ્યાએ જઈ મહિલાએ પહેરેલા સોનાના કંગન, સોનાની ચેઈન, સોનાની રક્ષાપોટલી, ચાર વિંટી સહિત આઠ તોલા સોનાના ઘરેણાં જેની અંદાજિત કિંમત સવા બે લાખ રૂપિયા હોય તે લૂંટી લીધા હતા, બાદમાં મહિલાને ત્યાં જ ઉતારી તે ફરાર થઈ ગયો હતો.
આ ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના આધારે આર્યની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનો આચરવા માટે આર્યએ કાર ભાડે લીધી હોવાની પુષ્ટિ થઈ છે. આર્ય પાસેથી ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી આર્ય સુરતમાં 10માં સુધી અભ્યાસ કર્યા બાદ મહારાષ્ટ્રમાં એમ.બી.એ. કર્યુ છે. જો કે, બાદમાં તે ગુનાખોરીનાં રવાડે ચઝી ગયો હતો. તેણે મહારાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારમાં છેતરપીંડી અને લૂંટના ગુનાઓને અંજામ આપ્યો છે. આર્યને બે કેસમાં સજા પણ થઈ છે. તેમજ તે જેલ પણ ભોગવી ચૂક્યો છે, એટલે આર્ય પોલીસ ચોપડે રીઢો ગુનેગાર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.