- મંગળવારે રાત્રે બની હતી ઘટના
- આવેદન બાદ પણ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
- પોલીસે 17 જણા સામે નામજોગ ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરત : બારડોલી તાલુકાનાં સરભોણના ચાંદદેવી ફળિયામાં મંગળવારે રાત્રે દારૂ બંધ કરાવવા માટે મોટું ટોળું એકત્રિત થઈ મારમારી કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે દારૂ બંધ કરાવવા ગયેલા ટોળાં સામે હુલ્લડનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સરભોણમાં છેલ્લા કેટલાક સમયથી દારૂબંધીની માગ ઉગ્ર બની છે, પરંતુ કેટલાક બુટલેગરો દ્વારા અન્ય ગામોમાંથી દારૂ લાવીને વેચવામાં આવતો હોય લોકો ઉશ્કેરાયા હતા અને ટોળું ભેગું થઈ થયું હતું.
14મી જૂનના રોજ ગ્રામજનોએ આપ્યું હતું આવેદન
સરભોણમાં છેલ્લા ઘણા સમયથી યુવાનો દારૂબંધી માટે સક્રિય થયા છે, પરંતુ બુટલેગરો તેમને ફાવવા દેતાં નથી. અનેક વખત દારૂ બંધ કરાવવા છતાં બુટલેગરો ફરીથી દારૂ શરૂ કરી દારૂ બંધ કરાવનારાઓ સામે દાદાગીરી કરતાં હોય છે. ગત 14મી જૂનના રોજ પણ દારૂ બંધ કરવા માટે ગ્રામજનોએ પોલીસને બુટલેગરોના લિસ્ટ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો : બે અલગ-અલગ સ્થળેથી મળ્યા 3 મૃતદેહ, કબજો મેળવી તજવીજ હાથ ધરાઇ
અડ્ડા બંધ થયા પણ બાજુના ગામોમાંથી લાવીને દારૂ વેચવામાં આવતો હોવાનો ગ્રામજનોનો આરોપ
દારૂના અડ્ડા તો બંધ થયા હતા, પરંતુ કેટલાક લોકો બાજુના ગામોમાંથી દારૂ લાવીને વેચતા હોવાની રાવ ઉઠતાં મંગળવારના રોજ યુવાનોનું ટોળું દારૂ બંધ કરાવવા માટે ગયું હતું, ત્યારે હુલ્લડ સર્જાતા પોલીસે ટોળાં વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. સરભોણમાં ભલે દારૂ બંધ થયો હોય પણ આજુબાજુમાં આવેલા ગામોમાં હજી પણ ખુલ્લેઆમ પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડા પૂરજોશમાં ચાલી રહ્યા છે. જ્યાંથી દારૂ ખરીદી લાવી સરભોણમાં વેચવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : પાટણના Sidhdhi Sarovarમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો
સમયસર કાર્યવાહી નહીં થાય તો લડત ઉગ્ર બને તેવી શક્યતા
અન્ય ગામોમાં પણ પોલીસ દ્વારા દારૂના અડ્ડા સામે કાર્યાવહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. જો પોલીસ સમયસર કાર્યવાહી નહીં કરે તો આ લડત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે, ત્યારે પોલીસે જ આજુબાજુના ગામોમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા આગળ આવવું જરૂરી બની ગયું છે.