સુરત: માંડવી તાલુકાના ખંજરોલી ગામની સીમમાં આવેલ એક ક્વોરીમાં કામ કરી રહેલ 19 વર્ષીય યુવક પર 30 ફૂટની ઊંચાઈથી પથ્થર પડતા યુવકને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ પગલે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગંભીર ઈજાઓના કારણે યુવકનું મોત: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં બહોળી સંખ્યામાં ક્વોરીઓ આવેલી છે. આ ક્વોરીમાં કામ કરવા માટે રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી શ્રમજીવીઓ આવતા હોય છે. પરિવારને આર્થિક મદદ કરવા વતન છોડી રોજગારી માટે ગુજરાત આવેલ 19 વર્ષીય યુવ ભુરામલ લાલભાઈ એરલાલ એક ક્વોરીમા ડ્રિલિંગ અને સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન 30 ફૂટની ઊંચાઈથી પડ્યો હતો અને કપાળના ભાગે, આંખના ભાગે, હાથના ભાગે તેમજ પગના ઢીચણના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
'બનાવને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતક યુવકના ભાઈની ફરિયાદ લીધી હતી. મૃતક યુવકને શરીરના અલગ અલગ ભાગે ઈજાઓ પહોંચી હતી અને તેઓનું મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. હાલ આગળની કાર્યવાહી શરૂ છે.' -એ.ટી રાઠવા, પીએસઆઈ, માંડવી પોલીસ મથક
સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરવામાં આવતા માંડવી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલ માંડવી પોલીસે મૃતક યુવકના ભાઈ મોરસિંહ ઉર્ફે ગોલું શ્રીલાલની ફરિયાદ લઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. હાલ આગળની કાર્યવાહી માંડવી પોલીસ મથકના પીએસઆઈ એ.ટી રાઠવા કરી રહ્યા છે.