- પુરઝડપે આવતી કારે ટક્કર મારતા સર્જાયો અકસ્માત
- પરિવાર ખરીદી કરી બારડોલીથી પરત ઘરે જઈ રહ્યો હતો
- ગંભીર ઇજા થતાં દંપતી અને નાની બાળકીને હોસ્પિટલ ખસેડાયા
બારડોલી: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શામપુરા ગામની સીમમાં પુરઝડપે આવતી એક કારે બાઇક સવાર પરિવારને અડફેટમાં લેતા 3 વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે દંપતી અને એક બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બારડોલીથી પરત ફરતી વખતે થયો અકસ્માત
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીમ્બા ગામે રહેતો સંજય બલ્લુ રાઠોડ રવિવારે સાંજે પત્ની મનીષા, બે પુત્રીઓ મહેક (ઉ.વર્ષ 3) અને ઉમિષા (ઉ.વર્ષ 1.5) સાથે પેશન મોટર સાયકલ પર ખરીદી કરવા માટે બારડોલી ગયા હતા. બારડોલીથી મોડી સાંજે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે કામરેજ તાલુકાના શામપુરા- વિહાણ રોડ પર સામેથી પુરઝડપે આવતી કારે તેમની મોટર સાયકલને ટક્કર મારી દીધી હતી.
સ્થાનિકોએ વૃક્ષ પર લટકેલી બાળકીને નીચે ઉતારી
આ અકસ્માતમાં પતિ-પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે કારની ટક્કરથી ત્રણ વર્ષની મહેક ઉછળી ઝાડ પર લટકી ગઈ હતી. સ્થાનિકોએ બાળકીને નીચે ઉતારી તાત્કાલિક ઇજાગ્રસ્ત દંપતી અને બંને બાળકીઓને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મહેકને મૃત જાહેર કરી હતી.
ગામમાં શોકનો માહોલ
બાળકીના મોતને કારણે ટીમ્બા ગામમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી. આ ઘટના અંગે કામરેજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.