- કેનેરા બેન્કના એટીએમમાં ચેડા કરી ચોરી કરતી મેવાત (હરિયાણા) ગેંગના બે ઝડપાયા
- બંને આરોપીઓની નાનપુરા અશુગર મોહલ્લા પાસે આવેલા કેનેરા બેન્કના એટીએમ સેન્ટર પાસેથી ધરપકડ કરાઈ
- દોઢ મહિનામાં 4 એટીએમમાંથી 21 લાખ ઉપાડયા
સુરત: છેલ્લા કેટલાક સમયથી શહેર વિસ્તારમાં હરિયાણા, દિલ્લીથી ફ્લાઈટમાં આવી કેનેરા બેન્કના એટીએમ સેન્ટરોમાં મશીનમાં છેડછાડ કરી રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી બેન્કો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતા ભેજાબાજોની ગેંગના બે લોકોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને જણા માત્ર ધોરણ 3 અને 6 ભણેલા છે. તેમ છતાં એટીએમમાંથી ટેક્નીકલી ચેડા કરી રૂપિયા ઉપાડતા હતા.
કુલ 1,10,000નો મુદ્દામાલ કબજે
ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે નાનપુરા અશુગર મોહલ્લા પાસે આવેલા કેનેરા બેન્કના એટીએમ સેન્ટર પાસેથી હનીફ રતીખા સૈયદ, ઔસાફ હસનમોહમદ સૈયદને ઝડપી પાડ્યા છે. બંને હરિયાણાના રહેવાસી છે. બંને જણા પાસેથી કુલ રોકડા 80 હજાર રૂપિયા, અલગ અલગ બેન્કના 4 ડેબિટ કાર્ડ, મોબાઈલ ફોન, ચાવી નંગ -૨ મળી કુલ 1,10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓ દિલ્લી અને હરિયાણાથી ફ્લાઈટમાં આવતા હતા
બંને આરોપીઓની પુછપરછ કરતા “પોતે તથા પોતાના ગામના મિત્ર સાજીદખાન નારહુસૈન તથા તેના ભાઈઓ ઈરફાન અને ઝહીર સાથે મળી ચાલુ વર્ષના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર માસના સમયગાળા દરમિયાન સુરત શહેરમાં આવેલા કેનેરા બેન્કના એટીએમ સેન્ટરોમાં ડી- બોલ્ટ કંપનીના મશીનોમાં ચેડા તથા છેડછાડ કરી રૂપિયા મેળવી બેન્ક સાથે છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ દિલ્લી અને હરિયાણાથી ફ્લાઈટમાં આવીને 15 દિવસ 1 મહિનો રોકાઈને પાછા નીકળી જતા હતા.