સુરત: ઓલપાડ તાલુકાનાં કાંઠાનાં ગામોમાં પણ ખેતરથી શેરડીની પરાળ ખરીદી ટેમ્પોમાં લઈ જવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સેગવા છામા સીથાણા રોડ પર આવેલા સાકરીયા ફાર્મ નજીકથી શેરડીની પરાળ ભરીને પસાર થતા ટેમ્પોમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી.

શોર્ટ સર્કિટથી આગ લાગી: ઓલપાડ તાલુકાના પીંજરત ગામ પાસે ડાંગરની પરાણી ભરેલ ટેમ્પોમાં DGVCLનો વાયર અડી જતાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગી જવાની ઘટનામાં વાયુવેગે ટેમ્પો આગની ચપેટમાં આવી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ટેમ્પોચાલકે સતર્કતા વાપરી ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ઘટનાસ્થળે દોડી આવેલા સ્થાનિકોએ ટેમ્પો ગામના તળાવમાં ઉતારી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સ્થાનિક નિલેશભાઈએ જણાવ્યું હતું કે, 'પશુઓ માટે એક ટેમ્પામાં ચારો ભરવામાં આવ્યો હતો. તે દરમિયાન DGVCLનો વાયર અડી જતાં આ બનાવ બન્યો હતો. સદનસીબે કોઇ જાનહાનિની ઘટના સામે આવી ન હતી.

ટેમ્પોમાં ઓવરલોડ ભરી હતી પરાળ: હાલ શેરડી કાપણીની કામગીરી ચાલી રહી છે. ત્યારે પશુનાં ચારા માટે તથા બાયોકોલ બનાવવાના કામે લેવાતી શેરડીની પરાળ ખેડૂતો વેચતા હોય છે. ત્યારે ખેતરથી ટેમ્પો અથવા અન્ય વાહનમાં ભરીને લઈ જતા ચાલકો દ્વારા ઓવરલોડ પરાળ ભરીને લઈ જતા હોવાનું જોવા મળે છે. ત્યારે સાકરીયા ફાર્મ નજીકથી શેરડીની પરાળ ભરીને પસાર થતા ટેમ્પોમાં વીજ કંપનીના ઈલેકટ્રીક વીજ તાર અડી જતાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગી હતી.