બારડોલી : બારડોલીમાં વિવાદોથી ઘેરાયેલા રહેતા એક બિલ્ડર ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. આ વખતે GOVT. OF INDIA લખેલી કારમાં ફરવું તેને ભારે પડી ગયું છે. પોલીસે બાતમીના આધારે કેસરકુંજ સોસાયટીમાં ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી કાર સાથે આ બિલ્ડરને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માજી ભાજપ અધ્યક્ષે ધ્યાન દોર્યું હતુ: બારડોલી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ માજી નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધીએ પોલીસને લેખિત અરજી કરી આપી હતી કે, એક ખાનગી કાર પર GOVT. OF INDIA લખેલું છે અને બારડોલી ટાઉનમાં ફરે છે. અને તે ગાડીમાં બેસેલ વ્યક્તિ પોતે કેન્દ્ર સરકારમાં કર્મચારી હોવાની છાપ ઊભી કરે છે.
પોલીસે આરોપી વિરૂદ્ધનો નોંધ્યો ગુનો: આ અરજીની ધ્યાનમાં રાખીને બારડોલી ટાઉન પોલીસે ખાનગી રાહે તપાસ કરતાં બારડોલીના ગાંધીરોડ પર આવેલી કેસરકુંજ સોસાયટીમાં કાર જોવા મળી હતી. પોલીસે સ્થળ પર જઈ કારમાં હાજર ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નીતિનભાઈ ગોપાલભાઈ રાણા જણાવ્યું હતું અને તે સુરતના કતાર ગામનો રહેવાશી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી આધાર પુરાવા માંગતા તેનો દીકરો સ્મિત નિતિન રાણા ભારત સરકારના રેલ્વે મંત્રાલયના ZRUCC (ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સ્ટલ્ટેટિવ કમિટી)ના સભ્ય હોય જે, આ ગાડી વાપરતો હોવાનું જણાવ્યુ હતું કે, પરંતુ નિતિન રાણા કેન્દ્ર સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં તે આ ગાડી વાપરતો હોય તેની સામે પોલીસે આઇપીસીની કલમ 170 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અનેક ગુના નોંધાય ચૂક્યા છે: અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ શખ્સ નિતિન રાણા એ બારડોલીની વિવાદાસ્પદ બિલ્ડર છે, અને તેની સામે છેતરપિંડીથી લઈ ગેરકાયદેસર કબ્જાના અનેક ગુના બારડોલી ટાઉન તેમજ સુરત શહેર પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યા છે.
પોલીસે કરાવ્યું કાયદાનું ભાન: કલમ 170માં કોઈ પણ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોવાનો ઢોંગ કરી રાજ્ય સેવકનું કાર્ય કરે તેને ખોટું નામ ધારણ કર્યું કહેવાય. આ રીતે રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવા માટે બે વર્ષની કેદ અથવા તો દંડ કરવામાં આવે છે. આ ગુનો બિનજામીન પાત્ર ગુનો છે. બારડોલી ડિવિઝનના DYSP એચ.એલ. રાઠોડએ જણાવ્યું હતું કે, બારડોલી ટાઉન પોલીસે બાતમીના આધારે એક કિયા ગાડી પર GOVT. OF INDIAનું ગેરકાયદેસર રીતે લખાણ લખ્યું હોવાનું જાણવા મળતા કાર કબ્જે કરી છે. આ ગુનાનો આરોપી પોતે પબ્લિકમાં એવું સાબિત કરવા માંગે છે કે, તે પોતે GOVT.OF INDIA માં કઈક હોદ્દો ધરાવે છે. આ આરોપી વિરૂદ્ધ બારડોલી ટાઉન પોલીસ મથક તેમજ સુરત શહેર પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.