સુરત : શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઉનપાટિયા પાસે ફૈઝલનગરમાં રહેતો 19 વર્ષીય ચંદનસિંગ અમરસિંગ રાજપૂત જેઓ પ્રાઇવેટ બેક ઓફિસમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. યુવાન ગઈકાલે સાંજે પોતાના ઘરની બહાર જ ઉભા ઉભા મોબાઈલમાં સોંગ સાંભળી રહ્યો હતો. ત્યારે જ કોઈક રીતે તે જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો હતો.
યુવાન અચાનક ઢળી પડ્યો : યુવક બેભાન થઈને ઢળી પડતા તેને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. જોકે ડોક્ટર દ્વારા યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તો બીજી બાજુ મોતને લઈ સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મારા છોકરાને અભ્યાસમાં મન નહોતું. એટલે તે પોતે જ પ્રાઇવેટ કંપનીમાં બેક ઓફિસમાં કામે લાગ્યો હતો. જ્યાં તે છેલ્લા ત્રણ વર્ષથી કામ કરતો હતો. તે જે પણ કમાતો હતો તે તેની મમ્મી અને તેના નાના ભાઈને આપતો હતો. તથા થોડો તે ઘરનો સામાન પણ લાવતો હતો. હાલ તેની મમ્મી શોકમાં ગરકાવ થઇ ગઈ છે. તેને કોઈ પ્રકારની બીમારી પણ ન હતી. -- અમરસિંગ (મૃતકના પિતા)
હાર્ટ અટેકથી મૃત્યુની આશંકા : આ બાબતે મૃતક ચંદનસિંગના પિતા અમરસિંગે જણાવ્યું કે, ગઈકાલે અમે ઘરે બેઠા હતા. ત્યારે જ ચંદનસિંગ ઘરની બહાર જઈને મોબાઈલમાં સોન્ગ સાંભળી રહ્યો હતો. અચાનક જ તે જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઇ ગયો હતો. અમને કશું સમજ પડતી નહતી કે શું થયું છે. અંતે અમે તેને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. અહીં ફરજ પરના ડોક્ટરે ચંદનને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જોકે ડોક્ટરે જણાવ્યું કે, તેમનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોય તેવી આશંકા છે.