- 100 ફૂટનો ધ્વજનો સ્તંભ કામગીરી દરમિયાન પડ્યો
- ક્રેનનો પટ્ટો તૂટી જતા સ્તંભ નીચે રોડ પર પડ્યો
- રસ્તો બંધ હોવાથી કોઈ જાનહાનિ-નુકસાન ન થયું

બારડોલીઃ બારડોલીમાં સ્વરાજ આશ્રમ નજીક શહીદ ચોક પર 100 ફૂટ ઊંચો ધ્વજસ્તંભ ઊભો કરતી વેળાએ નીચે પડતા અફરાતફરી મચી ગઈ હતી. નસીબજોગ રોડ બંધ કરવામાં આવ્યો હોય મોટી જાનહાનિ ટળી હતી. મોડી સાંજે પણ ક્રેનની મદદથી આ સ્તંભને ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. બારડોલી નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પર આવેલા શહીદ ચોક પર 2 ઓક્ટોબરે સ્થાપિત કરાયેલા નાના ધ્વજ સ્તંભને ખસેડી તેની જગ્યાએ 100 ફૂટ ઊંચો ધ્વજ સ્તંભ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. શનિવારે આ સ્તંભને મોટી ક્રેન વડે ઊભો કરવાની કામગીરી ચાલી રહી હતી. આથી સ્ટેશન રોડના ટ્રાફિકને ડાયવર્ઝન આપી કામગીરી શરૂ કરવામાં આવી હતી.


24 કલાક ત્રિરંગો ફરકાવવો હોય તો 100 ફૂટથી વધુની ઊંચાઈનો સ્તંભ જોઈએ
2 ઓક્ટોબરે ઊભો કરાયેલા ધ્વજ સ્તંભની ઊંચાઈ 100 ફૂટથી ઓછી હોવાથી તેને થોડા દિવસ અગાઉ કાઢી લેવામાં આવ્યો હતો. તેની જગ્યાએ 100 ફૂટનો સ્તંભ લગાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 કલાક માટે તિરંગો ફરકાવો હોય તો તેના માટે ધ્વજ સ્તંભની ઊંચાઈ 100 ફૂટ કે તેથી વધુ હોવી જોઈએ અને તિરંગો રાત્રિના સમય સ્પષ્ટ દેખાઈ તે રીતે તેના પર લાઈટિંગની વ્યવસ્થા પણ કરવાની હોય છે.