સુરત : હરિપુરા ભવાની વડ વિસ્તારની આંગડિયા પેઢીમાંથી નાણા લઈ બહાર આવેલા બિલ્ડરના કર્મચારીનું અપહરણ કરી 88 લાખ 26 હજારની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પગપાળા આવેલા લૂંટારુએ બિલ્ડરના કર્મચારીને પિસ્તોલ બતાવી મોપેડ પર લસકાણા લઈ જઈ લૂંટી લીધો હતો. લૂંટની ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની આશંકા સેવાઈ રહી છે.
ધોળા દિવસે લૂંટ: બાંધકામના વ્યવસાય સંકળાયેલા બિલ્ડર મન્સુર ખટ્ટાએ તેના કર્મચારી નવાઝ ફટ્ટાને હરિપુરા ભવાની વડ પાસે આવેલી આંગડિયા પેઢીમાંથી રૂપિયા લેવા મોકલ્યો હતો. મન્સુર ખટ્ટાને આ નાણા મુંબઈથી મોકલાયા હતા. નવાઝ ભવાની વડ પાસે આવેલી આંગડિયા પેઢી પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપનીમાંથી શુક્રવારે બપોરના 1:30 વાગ્યાના અરસામાં 88 લાખ 26 હજારની રોકડ બેગમાં લઈને નીકળ્યો હતો. પેઢીમાંથી બહાર આવીને તે મોપેડ લઈને થોડોક જ દૂર પહોંચ્યો હતો કે, ત્યાં પગપાળા એક વ્યકિતએ તેને આંતરી લીધો હતો. આ લૂંટારુએ નવાઝની કમરે પિસ્તોલ મુકીને જાનથી મારી નાખવાની ધમકી આપી મોપેડ પાછળ બેસી ગયો હતો.
શહેરની પોલીસ લાગી તપાસમાં: લાલગેટના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. બ્રહ્મભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, પૂછપરછમાં ફરિયાદીએ કહ્યુ હતું કે, આરોપી તેને ડરાવી-ધમકાવી સુરત-કામરેજ રોડ પરના લસકાણા ગામ નજીક લઈ ગયો હતો અને નવાઝ પાસેથી 88.26 લાખ ભરેલો થેલો લઈને નાસી છૂટ્યો હતો. આ ઘટના બાબતે નવાઝે શેઠ મન્સુરને જાણ કરી હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે શહે૨ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને આગળની તપાસ હાથ ધરી હતી.
જાણભેદુ હોવાની પણ આશંકા: ઉલ્લેખનીય છે કે બનાવ મામલે લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને એસોજી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને સુરત જિલ્લા પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. જો કે આ આખી ઘટના બની છે તેમાં કોઈ જાણભેદુ હોવાનો હાથ હોવાની પણ પોલીસને આશંકા છે.