- બિનવારસી અને શારીરિક માનસિક વિકલાંગ લોકો માટેનું આશ્રય સ્થાન માનવ સેવા ટ્રસ્ટ
- 214 લોકોનો કરવામાં આવ્યો હતો રેપીડ ટેસ્ટ
- 18ને હોસ્પિટલમાં જ્યારે 62ને સંસ્થામાં જ ક્વોરોન્ટાઇન કરાયા
બારડોલી: કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલી માનવ સેવા ટ્રસ્ટ નામની સંસ્થામાં એકસાથે 80 વ્યક્તિઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમા દોડધામ મચી ગઇ હતી. 80 પૈકી 18 વ્યક્તિઓને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બાકીના 62ને સંસ્થામાં જ ક્વોરોન્ટાઇન કરાયા છે.
કામરેજ તાલુકા ધોરણ પારડી ખાતે આવેલ શારીરિક અને માનસિક વિકલાંગ લોકોની દેખરેખ રાખતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરમાં શારીરિક માનસિક વિકલાંગ, બિનવારસી મળી આવેલ વ્યક્તિઓ, એચ.આઈ.વી. પોઝિટિવ વ્યક્તિઓ જેવા કુલ 227 વ્યક્તિઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે.
214 લોકોના ટેસ્ટમાંથી 80 પોઝિટિવ
કામરેજ તાલુકા આરોગ્યની ટીમ દ્વારા શનિવારના રોજ આ સંસ્થામાં સામુહિક રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કુલ 214 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 80 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. જેમાંથી 18ને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 62 વ્યક્તિઓને સંસ્થામાં જ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર માહયાવંશીએ જણાવ્યું હતું.
20 ટકા દર્દીઓ માનસિક વિકલાંગ
બીજી તરફ સંસ્થાના સંચાલક જેરામભાઈ ભગત સાથે થયેલી વાતચીત મુજબ સંસ્થાના પોઝિટિવ પૈકી 20 ટકા દર્દીઓ માનસિક વિકલાંગ છે. જ્યારે સંસ્થાના ત્રણ કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા હોવાનું અને હાલ તમામની તબિયત સ્થિર હોવાનું તેમણે જણાવ્યું હતું.