સુરત : કિશોર અવસ્થામાં ફેક્ચરના કારણે ડોક્ટરે સુરતનાં નઝમી કિનખાબવાળાને કહી દીધું હતું કે, તેઓ ક્યારે પણ ટેબલ ટેનિસ રમી શકશે નહીં. પરંતુ આજે છેક 76 વર્ષે નઝમી 50 કે 100 નહીં પરંતુ 500 થી પણ વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેબલ ટેનિસ રમીને મેડલ અને ટ્રોફી જીતી ચૂક્યા છે. હાલમાં જ તેઓ થાઈલેન્ડમાં યોજાયેલ એશિયન સ્પેસિફિક વેટરનર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ટોપ 8 ખેલાડીઓમાં સામેલ થયા છે. આજે 76 વર્ષના નઝમીનો જોશ અને ઉત્સાહ યુવાઓને પ્રેરણા આપે છે.
ગુજરાત અને દેશનું વધાર્યુ ગૌરવ: 76 વર્ષના નઝમી કિનખાબવાલાએ અત્યાર સુધીમાં 11 દેશોમાં જઈ 500થી પણ વધુ મેડલ જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. વર્ષ 2019માં સોનીપતમાં મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યુ હતું. ગોવામાં આયોજિત ફોરઝા ઇન્ટરનેશનલમાં પણ ગોલ્ડ મેડલ મેળવી પોતાની ખેલ પ્રતિભાનો પરચો આપ્યો હતો. શ્રીલંકામાં રમાયેલી સાઉથ એશિયા ટેબલ ટેનિસમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મલેશિયાના પિનાંગમાં રમાયેલી એશિયન-પેસેફિક ચેમ્પિયનશિપમાં 28 દેશોના ખેલાડીઓ ભાગ લીધો હતો. નઝમીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમણે ચીન, રશિયા અને મલેશિયાના ખેલાડીઓને હરાવ્યા હતા. આમ, નઝમી કિનખાબવાલાએ પોતાનું આખું જીવન સ્પોર્ટ્સને સમર્પિત કર્યુ છે. હાલમાં જ તેઓ થાઈલેન્ડ ખાતે યોજાયેલ એશિયન-પેસેફિક ચેમ્પિયનશિપમાં ટોપ 8 માં સામેલ રહ્યા હતા.
21 વર્ષ બાદ મને લાગ્યું કે...: નઝમી કિનખાબવાલાએ જણાવ્યુ હતુ કે, મારી ઉંમર 76 વર્ષની છે. મને પહેલેથી ટેબલ ટેનિસ રમવાનો શોખ છે. 1964થી રમવાની શરૂઆત કરી હતી અને 1995માં મારે રમવાનું છોડવું પડયું હતું. કારણ કે, મારા પરિવારની આર્થિક સ્થિત ખરાબ હતી અને સાથે મારા પગમાં ફેક્ચર થતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ ક્યારેય પણ ટેબલ ટેનિસ રમી શકીશ નહીં. 21 વર્ષ બાદ મને લાગ્યું કે હું ટેબલ ટેનિસ રમુ. મેં ટેબલ ટેનિસ છોડીને નોકરી પર ધ્યાન આપ્યુ હતું. 1964 થી 1995 સુધી ટેબલ ટેનિસમાં 500 થી વધુ મેડલો મેળવ્યા હતા. મારે સ્પાર્ટસમાં જ મારું કરિયર બનાવવું હતું. પરંતુ મારા પરિવારની આર્થિક પરિસ્થિત ખરાબ હોવાથી 1995માં એક કંપનીમાં નોકરી લાગી ગયો હતો. ત્યારબાદ 21 વર્ષ પછી જ્યારે હું મારા એક મિત્રને મળવા ગયો તો એમણે મને ટેબલ ટેનિસ રમવાં માટે પ્રેરિત કર્યો હતો. જેથી વર્ષ 2017માં ફરી મારા જીવનમાં ટેબલ ટેનિસની રમત આવી હતી.
હંમેશા ખુશ રહો ક્યારે પણ ચિંતા ન કરો: નઝમીએ જણાવ્યું હતું કે, સુરત સહિત દેશમાં 1983નો વર્લ્ડકપ ભારત જીત્યું હોવાથી ક્રિકેટ ફીવર હતો તેથી, ખેલાડીઓ ટેબલ ટેનિસમાં રસ લેતા ન હતા. અમે નાના છોકરાને ટેબલ ટેનિસ શીખવવાનું શરૂ કર્યુ હતું. વર્ષ 1985માં તેમણે ખેલાડીઓને પ્રોફેશનલ રીતે ટેબલ ટેનિસ શીખવવાનું શરૂ કર્યુ હતું. બાદમાં આજ દિન સુધી પાછું વાળીને જોયું નથી. વર્ષ 2017માં નઝમીએ 25 વર્ષ બાદ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે તેઓ પોતે રોજે પ્રેક્ટિસ પણ કરે છે અને કોચિંગ ચલાવીને અન્ય બાળકોને ટેબલ ટેનિસમાં આવવા માટે પ્રેરિત કરે છે. ફિટનેસની વાત કરવામાં આવે તો તેઓ કહે છે કે, હંમેશા ખુશ રહો ક્યારે પણ ચિંતા ન કરો. જ્યારે તેઓ થાઈલેન્ડ ગયો હતો ત્યારે તેમને જોઈ ત્યાંના લોકોને લાગ્યું પણ ન હતું કે તેઓ 76 વર્ષના છે.