- પીવાના પાણીની લાઈનમાં ગટર થઈ મિક્સ
- તંત્રના પાપે 6 જેટલા લોકોએ ગુમાવ્યો જીવ
- ઘટના સ્થળ પર વિવિધ ખાતાના સહિત 100થી વધુ લોકો કામગીરીમાં જોડાયા
સુરત : કામરેજ તાલુકાના કઠોર ખાતે આવેલા વિવેક નગરમાં પીવાના પાણીની લાઈનમાં ગટરિયા પાણી મિક્સ થઈ જતા સ્થાનિક લોકોને ઝાડા ઉલટી થયા હતા અને લોકોને નજીકના સરકારી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. ગતરોજ ત્રણ દર્દીના સારવાર દરમિયાન મોત થયા હતા અને આજે મંગળવારે નાના બાળક સહિત વધુ 3ના મોત થયા આરોગ્ય વિભાગ અને સુરત મહાનગર પાલિકા દોડતું થઈ ગયું હતું અને કઠોર ખાતે વિવેક નગરમાં પહોચી ગયા હતા. પાણીના સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરી હતી. તેમજ અન્ય કામગીરીમાં આરોગ્ય ખાતા સહિત 100થી વધુ લોકો જોડાઈ ગયા હતા.
આ પણ વાંચો : ધંધુકા નગરપાલિકા તંત્રમાં મહિલાઓએ રોડ-રસ્તા અને દૂષિત પાણી મુદ્દે કરી ઉગ્ર રજૂઆત
ઘટનાની જાણ થતાં જ શાસક, વિપક્ષના નેતાઓ દોડી આવ્યા
પીવાના પાણીની લાઇનમાં ગટરિયા પાણી મિક્સ થતા ઘણા લોકોને ઝાડા ઉલટી તેમજ 6 જેટલા લોકોના મોત થતા કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલવાડિયા, સ્થાનિક નગર સેવક અને સુરત મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડારી પહોંચી ગયા હતા અને હાજર જવાબદાર અધિકારીને સલાહ સુચન કર્યા હતા. તેમજ મૃતકના પરિવારોને સાંત્વના પાઠવી હતી. આ સમસ્યાને લઈને અગાઉ ઘણીવાર સ્થાનિક લોકોએ આ બાબતે SMCને જાણ કરી હતી.
આ પણ વાંચો : જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરને સ્થાનિકોએ દૂષિત પાણી મુદ્દે આપ્યું આવેદનપત્ર
સમસ્યાને ગંભીરતાથી લીધી હોત તો આજે મોત ન થયા હોત
હાલ થોડા સમય પહેલા જ કઠોર ગામને સુરત મહાનગર પાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. તેથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે અને ગટરના પાણી મિક્સ થઈ રહ્યા હોવાનીની જાણ સ્થાનિક લોકો દ્વારા અનેકવાર SMCને ફરિયાદ કરવામાં આવી હતી પણ SMCએ વાતને ગંભીરતાથી ન લેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. SMC તાત્કાલિક પાણીની લાઈન ગટર લાઈનથી દુર કરી નવી નાખી આપેની માગ કરી હતી. મૃતકોને સરકાર તરફથી સહાય આપવાની પણ માગ કરી હતી.