સુરતના વેડ રોડ વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ અને જન ક્રાંતિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે સરહદ પર તૈનાત સૈનિકોને રાખડી મોકલવામાં આવે છે. આ વર્ષે પણ દેશના જવાનોને હજારોની સંખ્યામાં રાખડીઓ મોકલવામાં આવશે. જન ક્રાંતિ ગ્રુપના પ્રયાસથી વરાછા કતારગામની અનેક સોસાયટીઓ અને શાળાઓમાં જનજાગૃતિના પ્રયાસના કારણે આ વર્ષે સેનાના જવાનો માટે 51 હજાર રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.
સંસ્થાના પ્રમુખ હરી પોટલિયા એ જણાવ્યું હતું કે, સીમા પર ફરજ નિભાવી રહેલા સૈનિકો દેશની સેવામાં પોતાનુ જીવન વ્યતિત કરી રહ્યા છે. દેશના લોકો જે સમયે ઉત્સવની ઉજવણી પરિવાર સાથે કરતા હોય છે. તે સમયે તેઓ સરહદ પર દેશની સુરક્ષા અને સેવા કરતા હોય છે.
વધુમાં જણાવ્યુ હતુ કે, અમારા જવાનો પરિવારથી હજારો કિલોમીટર દૂર હોય છે અને દેશની રક્ષા કરવા માટે હંમેશાં તત્પર હોય છે. દેશના જવાનો આખા દેશને પોતાનો પરિવાર સમજીને ફરજ બજાવે છે. તમામ જવાનોને અહેસાસ થાય કે દેશના લોકો તેમની સાથે છે. આ માટે અમે સુરતથી દર વર્ષે રાખડીઓ રક્ષાબંધનના પર્વ નિમિત્તે મોકલતા આવ્યા છે. સેના અને સામાન્ય લોકો વચ્ચે એક સેતુ બને તે માટે સંસ્થા હંમેશા વિચાર કરે છે.