સુરત: માંગરોળ તાલુકાના પરણિત મહિલાને અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને હું બાળ વિકાસ અધિકારી બોલું છું, તમને સહાય સરકાર દ્વારા મળી રહી છે તેવું કહી પરણિત મહિલા સાથે ઠગાઈ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ ઝંખવાવ પોલીસને કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
બાળ વિકાસ અધિકારી બનીને કર્યો ફોન: માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના જયદીપભાઈ નવીનભાઈ ચૌધરી જેઓ વ્યારા ખાતે આવેલ બીબી વર્લ્ડ નામની રમકડાની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની દીપિકાબેન ઓગણીસા ગામે ઘરે હાજર હતા ત્યારે તેમના મોબાઈલ ઉપર એક અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો. હું બાળ વિકાસ અધિકારી ડોક્ટર દિપક શર્મા બોલું છું. તમારી ડિલિવરી થયેલ તેમાં તમને સરકાર તરફથી પૈસાની સહાય મળવાની છે. હું તમારા મોબાઇલ નંબર ઉપર એક મેસેજ મોક્લુ છું તેના ઉપર તમે ક્લિક કરો એવું કહ્યું હતું.
લિંક પર ક્લીક કરતાં પૈસા કપાયા: ત્યારબાદ મેસેજ આવતા દીપિકા બેને ક્લિક કરતાં પે લખેલું આવ્યું હતું. તેની ઉપર ક્લિક કરતા એટીએમ પીન નંબરનો ઓપ્શન આવ્યું હતું. જેમાં દીપિકાબેને પાસવર્ડ નાખી ચાર વખત પ્રોસેસ કરી હતી. ત્યારબાદ ફરી અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે તમારા મોબાઇલમાં પ્રોસેસ થતી નથી જેથી તમે બીજો મોબાઈલ નંબર આપો તેવું જણાવતા દીપિકાબેને નણંદ મેઘનાબેનનો મોબાઇલ નંબર આપ્યો હતો. જે નંબર ઉપર ફરી આ પ્રમાણેના મેસેજ આવતા મેઘનાબેને પાસવર્ડ નાખી આ પ્રમાણે બે વખત પ્રોસેસ કરી હતી.
21 હજારની ઠગાઈ: થોડીવારમાં દીપિકાબેનના ફોન પર રૂપિયા 5000, રૂપિયા 3500, રૂપિયા 1000, રૂપિયા 4800, રૂપિયા મળી કુલ 14,300 કપાયાના મેસેજ આવ્યા હતા તેમજ મેઘનાબેનના ખાતામાંથી રૂપિયા 1700, રૂપિયા 6700, રૂપિયા 5000 મળી કુલ બંને ખાતામાંથી રૂપિયા 21000 કપાઈ ગયા હતા. જેથી બંને મહિલાઓએ ઉપરોક્ત અજાણ્યા ઇસમને ફોન કર્યો હતો. પરંતુ આ સમયે ફોન રિસીવ કર્યો ન હતો. આ ગુના સંદર્ભે ઝંખવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઝંખવાવ પોલીસ મથકના પીએસઆઈ એ.જે દેસાઈએ જણાવ્યું હતું કે આ ફ્રોડને લઈને ફરિયાદ મળી છે. જે ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.