સુરતના વેસુ વિસ્તારમાં વેનચુરા ઍર કનેક્ટ કંપનીની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં અગાઉ ફરજ બજાવતા તેમજ ભૂતપૂર્વ સીઈઓ કાર્તિકે ગરાસીયાનું મોટું કારસ્તાન બહાર આવ્યું છે. ગરાસીયાએ અમેરિકાથી ઍરક્રાફ્ટ ખરીદવાના બહાને રૂપિયા 2.33 કરોડની ઠગાઈ કરી છે. જે અંગેની ફરિયાદ કંપની દ્વારા ઉમરા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
વર્ષ 2016માં કંપનીના કર્તાહર્તા અમેરિકાથી એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય લીધો હતો. જે માટે અગાઉ અમેરિકા જઇ આવેલા કંપનીના ભૂતપૂર્વ સીઈઓ કાર્તિકેય શંકરલાલ ગરાસિયાને તેઓએ ઍરક્રાફ્ટ વાત કરી હતી. આ અંગે 10 સીટર, 8 સીટર અને 4 સીટર એર ક્રાફ્ટ અંગે વાટાઘાટો થયા બાદ 4 સીટર એરક્રાફ્ટ ખરીદવાની સમજૂતિ થઈ હતી. અમેરિકાની કંપની સાથે ઍરક્રાફ્ટ ખરીદવા ગરાસીયા એ 5.25 લાખ અમેરિકન ડોલર એટલે રૂ. 3.52 કરોડમાં ડીલ કરી હતી. આ રકમ પડાવી લીધા બાદ એરક્રાફ્ટની ડિલિવરીમાં વિલંબ થયો હતો. ગરાસીયા એ અમેરિકામાં પરમિશન સહિતની પ્રોસેસનું બહાનું ધરી ડીલેવરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું રટણ કર્યું હતું.
આ સમયે અમેરિકામાં આવેલા વાવાઝોડામાં ઍરક્રાફ્ટને વ્યાપક નુકસાન થયું હતું. જેથી કંપની દ્વારા ઇન્સ્યોરન્સ પકાવવા કરાયો હતો. જે ક્લેઇમમાં ગરાસીયાએ વસુલેલી રકમ કરતા એરક્રાફ્ટની કિંમત ઘણી ઓછી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ભારે વિવાદ થયા બાદ કંપની દ્વારા એરક્રાફ્ટ મુકાયેલી રકમ પરત મંગાવી હતી.જે પૈકી ગરાસીયા એ ટુકડે ટુકડે મળી 1.64 લાખ અમેરિકન ડોલર એટલે કે 1.19 કરોડ રૂપિયા પરત કરી દીધા હતા જ્યારે બાકી ના રૂપિયા 2.33 કરોડ પરત કરવામાં આડોડાઇ કરી હતી. આ રકમ ગરાસીયાએ અંગત રીતે ઉપયોગ કર્યો હતો. આ મુદ્દે હાલ ફરિયાદ નોંધાઈ છે, અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.