સુરત: ડૉ. પૂજા નાડકર્ણી જણાવ્યું હતું કે, 1 વર્ષ પહેલા વંધ્યત્વ માટે બેંગ્લોરનું દંપતી હોસ્પિટલમાં આવ્યું હતું. ગર્ભાશયમાં થોડી સમસ્યા હોવાને કારણે મહિલા ગર્ભધારણ કરી શકતી નહોતી. જેથી ડૉ. પૂજાએ સરોગસી સાથે IVF માટેની સલાહ આપી હતી. સફળ IVF પછી સરોગેટ માતા ગર્ભવતી થઈ ગઈ હતી અને માર્ચના અંતિમ સપ્તાહમાં ડિલિવરી થવાની હતી.
આ દરમિયાન માર્ચ મહિનામાં કોરોનાનો કહેર અને લોકડાઉન આવતા ગર્ભસ્થ શિશુના માતા-પિતાની ચિંતા વધી ગઈ હતી. તેમજ સરોગેટ માતાને 29મી માર્ચે પ્રસૂતિની પીડા થતા તેણીએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. સેરોગેટ મધર અને બાળકી બંનેની તબિયત સારી હતી. પરંતુ બાળકીના ખરા માતા-પિતા એવા બેંગલોરના દંપત્તિ લોકડાઉનના કારણે સુરત આવી શકે તેવી સ્થિતિ નહોતી. આ દિવસો દરમિયાન તેઓ નિયમિત વિડીયો કોલ કરીને પુત્રી સાથે ડિજીટલ સંપર્કમાં રહેવા સાથે સુરત આવવાના સતત પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ સફળ થઈ શક્યા નહોતા.
આખરે ઘણા પ્રયત્નો પછી માતાપિતા દિલ્હીથી બાળકી માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં સફળ થયા હતા. આ દરમિયાન 17 દિવસની બાળકીને હોસ્પિટલની નર્સિંગમાં જ કાળજીપૂર્વક રાખવામાં આવી હતી. જેમાં તબીબી ટીમ અને સંભાળ રાખતા નર્સિંગ સ્ટાફ બાળકની સારી સંભાળ લીધી હતી. આખરે બાળકીને એર એમ્બ્યુલન્સમાં માતા-પિતા પાસે મોકલાઈ રહી હતી, તે સમયે હોસ્પિટલના ડોક્ટરો ભાવુક થઈ ગયા હતા.