સુરતઃ વેસુ વિસ્તારમાં 77 અને પાલ વિસ્તારમાં 19 મુમુક્ષુઓએ સામુહિક રીતે દીક્ષા લીધી હતી, જેમાં ચાર CA પણ સામેલ છે. આ સમારોહ વેસુના બલર હાઉસના દોઢ લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં યોજાયો હતો, જેમાં 16 હજાર ફૂટનું લાકડાનું વિશાળ દહેરાસર નિર્માણ કરવામાં આવ્યું હતું.
દીક્ષા મહોત્સવમાં લગભગ 14 હજાર લોકો દીક્ષાર્થી પરિવારના અને 10 હજાર જેટલા મહેમાનો સુરત બહારથી આવ્યા હતા.અમદાવાદના કલાકારો દ્વારા 3,500 માણસો બેસી શકે તેવુ 16 હજાર ફૂટનું વિશાળ લાકડાનું દેરાસર તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં વિશિષ્ટ પ્રકારના ઝુમ્મરો અને લાકડાની મૂર્તિઓ દેરાસરને કલાત્મક બનાવી રહી હતી.
દેરાસરના ફ્લોરીંગમાં કાચ અને માર્બલ ઉપરાંત લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંડળના મધ્યમાં 60 ફુટના વિશાળ સમોવસરણની રચના કરાઇ હતી. 750થી વધારે સાધુ-સાધ્વીઓને ઉતરવા માટે વિશાળ ડોમમાં 50થી વધારે રૂમ બનાવવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં આવનાર મહેમાનો માટે 2 વિશાળ ડોમમાં આરામ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
આ 77 દીક્ષાર્થીઓમાં સુરત સહિત, મુંબઇ, અમદાવાદ, પુના, બેંગલુરુ, ડીસા, કોઇમ્બતુર, બાડમેર વગેરે શહેરો-ગામના દીક્ષાર્થીઓ છે. 10 વર્ષથી 84 વર્ષના મુમુક્ષુઓ દીક્ષા માર્ગે જઇ રહ્યા છે, જેમાં 16 જેટલા બાળમુમુક્ષુઓ છે અને 6 પરિવારોના સભ્યોએ પણ દીક્ષા માર્ગે પ્રયાણ કરશે. આ દીક્ષાર્થીઓમાં છ મુમુક્ષુ અનુસ્નાતક છે, જેમાં ચાર CA, રમેશ જૈન, વરુણ જૈન, મહિમા બગેરીયા, પૂનમ તાંતેડ સામેલ છે.