સુરત : આ ઘટનાની જાણ થતા અમરા પોલીસ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી તમામની વિગત અને નિવેદન લેવાની કામગીરી હાથ ધરી છે. ગત રાત્રીના 10:00 વાગ્યાના અરસામાં અચાનક જ દુર્ગંધના કારણે ફૂટપાથ પર સુતેલા સાત જેટલા લોકો બેભાન થઈ ગયા હતા. એટલું જ નહીં ત્યાંથી પસાર થઈ રહેલા ત્રણ લોકો પણ આ ઘટનાનો શિકાર બન્યા હતા.
શંકાસ્પદ દુર્ગંધથી બેભાન થયેલા રોહિતે જણાવ્યું હતું કે, ઘરેથી નીકળો અને રાહુલ રાજ વિસ્તાર ખાતે આવેલ રોડ નજીક પહોચ્યો ત્યારે કેમિકલ કે ગેસ હતો તે અંગે મને કોઈ ખબર નથી. તેની દુર્ગંધ શ્વાસમાં આવી જતા મને શ્વાસ લેવામાં તકલિફ પડવા લાગી હતી. મને અચાનક ખાસી શરૂ થઈ ગઈ અને ઉલટી જેવું લાગવા લાગ્યું. રાહુલ રાજ મોલની પાછળ હું સુમન આવાસમાં રહું છું. ત્યાંથી નીકળીને રોડ પર આવ્યો ત્યારે આ ઘટના બની હતી.
લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા : ફૂટપાથ પર સુતેલા વાલકે પરિવારના 27 વર્ષથી લઈ 1માસ સુધીના તમામ સભ્યો બેભાન થઈ ગયા હતા. બેભાન થયેલા લોકોની યાદી પર નજર કરવામાં આવે તો 27 વર્ષીય રિતેશ ભીલ, 24 વર્ષીય રીતા, 1 માસની અંશી, 4 વર્ષીય પ્રિયંકા, 3 વર્ષીય પલ્લવી, 2 વર્ષીય રાજ, 12 વર્ષીય રાધિકા, 18 વર્ષીય રોહિત, 17 વર્ષીય અને 19 વર્ષીય ગુરુ શામેલ છે.
ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.જી. પટેલે જણાવ્યું હતું કે, અમને ઘટનાની જાણ થઈ છે. હાલ જે લોકો બેભાન થયા હતા. તેમના નિવેદન લઈ અમે આગળની તપાસ કરવા જઈ રહ્યા છીએ. હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે કે, કોઈ શંકાસ્પદ દુર્ગંધના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. આ શંકાસ્પદ દુર્ગંધ શેની છે તે અંગેની પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરાશે. એફએસએલની પણ મદદ લેવામાં આવશે.