- સાબરકાંઠામાં કોરોનાનું વધતું સંક્રમણ
- સ્થાનિક આગેવાનો તેમજ વેપારી મંડળ દ્વારા અપાયું સ્વૈચ્છિક લોકડાઉન
- સાંજે 4થી સવારના 8 સુધી બજારો રહેશે બંધ
સાબરકાંઠા: સમગ્ર ગુજરાતની જેમ સાબરકાંઠામાં પણ છેલ્લા એક સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસ ગંભીર રીતે આગળ વધી રહ્યા છે જેને અટકાવવા માટે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, તેમજ ઇડરમાં સાંજે 4થી સવારના 8 સુધી લોકડાઉનનું એલાન આપવામાં આવ્યું છે. સ્થાનીક વેપારી મહામંડળ, નગરપાલિકા તેમજ રાજકીય આગેવાનો દ્વારા બેઠક યોજી સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે.
સાબરકાંઠામાં 1400થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
શિયાળાની ઋતુમાં રાજ્યમાં કોરોના મહામારી વધુ ફેલાય તેવી સંભાવનાઓ છે ત્યારે હિંમતનગરમાં આગામી 15 દિવસ સુધી સાંજે 4થી સવારના 8 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન ઉપરાંત બે ગજનું અંતર જાળવવું, માસ્ક તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો વગેરે સૂચનો આપવામાં આવ્યા છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં 1400થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે આ પ્રકારના પગલા ભરવા અનિવાર્ય છે.
આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓને છૂટછાટ
દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના પોઝિટિવ સંક્રમણને રોકવા હવે શહેરની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ જાગૃતતાની જરૂરિયાત છે જેથી લોકડાઉનનો આ નિર્ણય લેવાયો છે. જો કે દૂધ, દવાઓ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓને લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી છે.