પ્રાંતિજ: 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ જગ્યાએ ધ્વજવંદન તેમજ સલામી પરેડ યોજાઈ હતી, ત્યારે સાબરકાંઠામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રાંતિજ અવર ઓન હાઇસ્કૂલ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં ગણપત વાસાવાએ ધ્વજવંદન કરી સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પોલીસ વડા અને તમામ વહીવટી અધિકારીઓ આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતાં.
આ તકે ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ પ્રધાને જણાવ્યું હતું કે, આઝાદી પછી દેશે નવીન ઊંચાઇઓ પ્રાપ્ત કરી છે. તેમજ આગામી સમયમાં હજુ વિકાસની હરણફાળ ભરશે. સાથો સાથ દેશ વિશ્વ કક્ષાએ અગ્ર ક્રમાંકિત બની રહ્યું છે. ગુજરાત સરકાર છેવાડાના વ્યક્તિના વિકાસ માટે પ્રયાસ કરી રહી છે. જે પ્રકારે દેશમાં વિવિધતામાં એકતાનો સંદેશ રહેલો છે. આ આગામી સમયમાં પણ યથાવત રહે તે જરૂરી છે.
આ 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિતે સાબરકાંઠા જિલ્લામાં તમામ અધિકારીઓ પદાધિકારીઓના નવા જોમ, જુસ્સા અને ઉત્સાહ થકી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.