સાબરકાંઠા: જિલ્લાના પોશીના વિસ્તારમાં દંપતીના પોતાના ઘરની નજીકમાં વૃક્ષ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતાં. જેના પગલે મૃતક પરિણીતાના પરિવારજનોએ મોટી સંખ્યામાં એકઠા થઇ ગણેર ગામે આવ્યા હતાં. જ્યાં તેમને પરિણીતાના મૃતદેહને લેવાનો ઈન્કાર કરી દેતાં મામલો બિચક્યો હતો. તેમજ ચડોતરું કરતા પોલીસ પણ ખુબ મોટી સંખ્યામાં ગોઠવાઇ ગઇ હતી અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોશીના વિજયનગર સહિતના વનવાસી વિસ્તારોમાં જ્યારે કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવે તેમજ મૃત્યુ પામનાર વ્યક્તિનો આ મામલે કોઈ સંતોષકારક જવાબ ન મળે તો જે-તે વ્યક્તિના પરિવારજનો મૃતદેહ લેવાનો ઇન્કાર કરી દેતા હોય છે. તેમજ જે તે વ્યક્તિ ઉપર શંકા હોય તેની પર હત્યાનો આક્ષેપ મૂકી દેતા હોય છે. તેમજ તેના જાનમાલને ભારે નુકસાન પણ કરતા હોય છે.
જો કે, આ વખતે પોલીસે મૃતક દંપતીના બંને પરિવારજનોને વિશ્વાસમાં લઇને મામલો શાંત પાડ્યો હતો. તેમજ બંનેના મૃતદેહની અંતિમવિધી પણ કરવામાં આવી હતી. જો કે, પોલીસે સમયસર દરમિયાનગીરી ન કરી હોત તો સાબરકાંઠાના પોશીના ગણેર ગામે ચડોતરૂં થયા બાદ જાનમાલનું નુકસાન થયું હોત. જો કે, પોલીસ આ રીતે સમયસર કામગીરી કરે તો ઘણા ગુનાઓને અંજામ મળતા પહેલાં પુરા થઇ શકે તેમ હોય છે.