સાબરકાંઠાઃ જિલ્લાના ખેડબ્રહ્મા મંગળવારના રોજ બપોર બાદ એમ. માધવલાલ નામની આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી ઉપર અજાણ્યા શખ્શો દ્વારા ચપ્પુ તેમજ ફાયરિંગ કરી લૂંટ કરી હતી. તેમજ ફાયરિંગ અને ચપ્પાના ઘાને પગલે કર્મચારીનું મોત થયું હતું. જેના પગલે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો. જોકે બે દિવસ બાદ પણ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી શકાયું નથી. તેમજ આરોપી મુદ્દે પોલીસ પાસે પણ હજુ સુધી કોઈ ઠોસ પુરાવા ન હોવાનું જાણવા મળ્યું છે.
ખાસ કરીને આ મુદ્દે પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા સહિત આસપાસની જગ્યાઓના CCTV ફૂટેજ મેળવ્યા છે. જેમાં ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થતાં જોવા મળે છે જોકે હજુ સુધી આરોપીઓ મામલે કોઇપણ મોટો ખુલાસો થઇ શક્યો નથી.
જોકે આ મામલે પોલીસે ખેડબ્રહ્માથી આવવા તેમજ જવાના તમામ રસ્તાઓ ઉપર વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. તેમજ રાજસ્થાન સહિત બનાસકાંઠા સુધી પણ તપાસ આદરી છે, જોકે આરોપીઓએ માસ્ટર પ્લાન બનાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે જેના પગલે પોલીસને આ ગુના મામલે હજુ સુધી કોઈ ઠોસ પુરાવા હાથ લાગ્યા નથી.
જોકે આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા ખુલાસા થાય છે એ તો સમય બતાવશે પરંતુ, હાલમાં બે દિવસ બાદ પણ પોલીસ દિશા વિહોણી હોય તેમ જણાય છે. ત્યારે આ લૂંટ તેમજ હત્યાના ગુના ઉપરથી પડદો ક્યારેય ઉચકાશે તે મહત્ત્વનું બની રહેશે.